• મંગળવાર, 26 સપ્ટેમ્બર, 2023

મુંબઈ-પુણે એક્સ્પ્રેસવે ઉપર બે નવી લેન બનાવાશે  

મુંબઈ, તા. 5 : મહારાષ્ટ્ર રાજ્ય રોડ વિકાસ નિગમ (એમએસઆરડીસી)એ મુંબઈ - પુણે એક્સ્પ્રેસ વે ઉપર બંને બાજુ એક - એક લેનનો વિસ્તાર કરવાનો નિર્ણય લીધો છે. આ પ્રસ્તાવ તૈયાર થયા બાદ અંતિમ મંજૂરી માટે કેન્દ્ર સરકારને મોકલી દેવાયો છે. મંજૂરી મળતા જ વધારાની લેનનું નિર્માણ કાર્ય શરૂ થઇ જશે. આ વધારાની લેન બનાવવાનો અંદાજિત ખર્ચ રૂા. પાંચ હજાર કરોડ થશે. બંને લેન બન્યા બાદ ટ્રાફિકની ભીડ ઓછી થઇ જશે અને પ્રવાસ વેગવાન બનશે. મુંબઈ-પુણે એક્સ્પ્રેસ વે ઉપર દરરોજનાં 70 હજાર વાહનોનું પરિવહન થાય છે. શનિવાર અને રવિવારે આ સંખ્યા વધીને 90 હજારથી એક લાખ સુધીની થઇ જાય છે. 

લગભગ 21 વર્ષ બાદ નવી લેન અંગે વિચાર કરાયો હતો અને બંને બાજુએ એક એક લેનનું વિસ્તરણ કરવાનો નિર્ણય લેવાયો છે. જોકે, અૉથોરિટીએ જણાવ્યું હતું કે બોગદાઓનું વિસ્તરણ થવાનું નથી, માત્ર બે લેન બનાવવામાં આવશે. દુર્ઘટના સંભવિત ક્ષેત્રોના સ્થાને ફ્લાયઓવર બાંધવામાં આવશે.