• ગુરુવાર, 16 મે, 2024

હાર્દિક પંડયાની આઇપીએલમાં થશે ઘર વાપસી !  

મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે 15 કરોડની ડીલની સંભાવના

નવી દિલ્હી, તા. 25 : આઇપીએલ 2024 માટે નિલામી 19 ડિસેમ્બરના રોજ દુબઈમાં થવાની છે. આ ઓક્શન પહેલા મોટા અહેવાલ સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર ગુજરાત ટાઇટન્સનો વર્તમાન કેપ્ટન હાર્દિક પંડયા ફરી એક વખત મુંબઈ ઇન્ડિયનનો હિસ્સો બનવાનો છે. હાર્દિકે 2015મા મુંબઈ ઇન્ડિયન્સ તરફથી આઇપીએલ કારકિર્દી શરૂ કરી હતી. 

રિપોર્ટ મુજબ બન્ને ફ્રેન્ચાઇઝી વચ્ચે ડીલ રોકડમાં થશે. જેના માટે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ વર્તમાન ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સને 15 કરોડ રૂપિયાની ચુકવણી કરશે. જો ડીલ સફળ રહી તો સંભવત: આઇપીએલના ઈતિહાસનો સૌથી મોટો ટ્રેડ પ્લેયર હાર્દિક પંડયા બનશે. જો કે બન્ને ફ્રેન્ચાઇઝી તરફથી આ મામલે કોઈ નિવેદન જારી કરવામાં આવ્યું નથી. 

આઇપીએલ 2023ની નીલામી બાદ મુંબઈ ઈન્ડીયન્સ પાસે પર્સમાં માત્ર 0.05 કરોડ રૂપિયા બચ્યા હતા. આગામી નિલામી માટે ફ્રેન્ચાઇઝીને પાંચ કરોડ રૂપિયા વધારાના મળશે. એટલે કે હાર્દિક પંડયાને ટીમમાં સામેલ કરવા માટે મુંબઈ ઈન્ડિયન્સ અમુક ખેલાડીઓને ટીમમાંથી રિલીઝ કરશે. ખેલાડીઓની રિટેન્શનની ડેડલાઈન 26 નવેમ્બરના રોજ સાંજે ચાર વાગ્યે સમાપ્ત થવાની છે. 2022મા હાર્દિકે પોતાનાં નેતૃત્વમાં ગુજરાતની ટીમને ખિતાબ અપાવ્યો હતો. રાજસ્થાન સામેના ફાઇનલમાં હાર્દિક પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ થયો હતો. 2023મા ગુજરાત ટાઇટન્સ બીજી વખત ફાઇનલમાં પહોંચી હતી. જો કે ચેન્નઈ સામે હાર મળી હતી.