• શુક્રવાર, 17 મે, 2024

પાકિસ્તાની ટીમ સાથે અન્ય ટીમ જેવો જ વ્યવહાર થશે : ભારત

વિશ્વ કપમાં પાકિસ્તાની ટીમને વધુ સારી સુરક્ષા મુદ્દે વિદેશ મંત્રાલયના પ્રવક્તાનો સ્પષ્ટ જવાબ

નવી દિલ્હી, તા. 12 : પાકિસ્તાની ટીમ ભારતમાં થનારા ક્રિકેટ વિશ્વકપ પહેલા સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી ચૂકી છે. હવે આ મામલે ભારતનો જવાબ આવ્યો છે. ભારત સરકારે કહી દીધું છે કે વિશ્વકપ 2023મા પાકિસ્તાની ટીમ સાથે ટૂર્નામેન્ટમાં અન્ય ટીમો જેવો જ વ્યવહાર કરવામાં આવશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ વિશ્વકપ 2023માં પાકિસ્તાની ખેલાડીઓની સુરક્ષાને લઈને પૂછવામાં આવેલા સવાલના જવાબમાં કહ્યું હતું કે, પાકિસ્તાની ક્રિકેટ ટીમ સાથે આઈસીસી વિશ્વકપમાં ભાગ લેનારા કોઈ અન્ય દેશની જેમ જ વ્યવહાર કરવામાં આવશે જ્યાં સુધી સુરક્ષાના મુદ્દાનો સવાલ છે તો તે સવાલ સુરક્ષા એજન્સીઓ અને આયોજકોને કરવો જોઈએ. 

વિશ્વકપના મેચ 5 ઓક્ટોબરથી રમાવાના છે જ્યારે 19મી નવેમ્બરના રોજ ફાઈનલ મેચ સાથે વિશ્વકપનું સમાપન થશે. ભારત પહેલી વખત વનડે વિશ્વકપનું આયોજન એકલા કરી રહ્યું છે. 2011 બાદ  50 ઓવરના વનડે વિશ્વકપની મેજબાની મળી છે. 2011મા ભારતે સંયુક્ત મેજબાની કરી હતી. આ પહેલા 1996 અને 1987મા ભારત સંયુક્ત રીતે ઓડીઆઈ વિશ્વકપનું આયોજન કરી ચુક્યું છે. પાકિસ્તાની ક્રિકેટ ટીમ સાત વર્ષ બાદ ભારત આવશે. અંતિમ વખતે પાડોસી દેશ 2016મા ટી20 વિશ્વકપ રમવા માટે ભારત આવ્યો હતો. પાકિસ્તાનમાં પાકિસ્તાની સરકારે પોતાની ટીમને ભારત મોકલવાની મંજૂરી આપતા સારી સુરક્ષાની માગણી કરી હતી. ભારત વિરુદ્ધ પાકિસ્તાનનો મેચ 14 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં થવાનો છે. પહેલા બન્ને ટીમો વચ્ચે આ મુકાબલો 15 ઓકટોબરના રોજ થવાનો હતો. જો કે બાદમાં તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 

ભારતમાં વિશ્વકપ રમવા મુદ્દે પાકિસ્તાની વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોની અધ્યક્ષતામાં એક કમિટિ બની હતી. જેણે વધુ સારી સુરક્ષાની માગણી કરી હતી. પાકિસ્તાને કહ્યું હતું કે તે રાજનીતિ અને રમતને જોડતા નથી. પાકિસ્તાની વિદેશ મંત્રાલય તરફથી પણ નિવેદન જારી કરવામાં આવ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાન માને છે કે ભારત સાથે દ્વિપક્ષીય સંબંધોની સ્થિતિ આંતરરાષ્ટ્રીય રમતોમાં અડચણ બનવી જોઈએ નહીં. તેઓ આશા કરે છે કે ભારતમાં પાકિસ્તાની ટીમને પૂરતી સુરક્ષા આપવામાં આવશે.