• ગુરુવાર, 16 મે, 2024

જાડેજા અને અશ્વિનથી અમારી બૅટિંગ તાકાત વધે છે : ફિલ્ડિંગ કોચ દિલીપ   

પોર્ટ ઓફ સ્પેન, તા.22: વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધના બીજા ટેસ્ટના બીજા દિવસની રમત બાદની પત્રકાર પરિષદમાં ભારતીય ટીમના ફિલ્ડિંગ કોચ ટી. દિલીપે કહ્યં કે રવીન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન ઘણાં વર્ષોથી બેટિંગમાં અમારી ટીમની તાકાત છે. ખાસ કરીને જાડેજા હવે બેટરના રૂપમાં સારી રીતે જવાબદારી નિભાવી રહ્યો છે જ્યારે પોતાના 500મા ઇન્ટરનેશનલ મેચમાં સદી ફટકારનાર વિરાટ કોહલી વિશે કહ્યં કે, કોહલીનું લક્ષ્ય આ ઇનિંગમાં મોટા સ્કોર પર હતું. રન આઉટ થવાને લીધે તે જરૂર નિરાશ હતો, પણ પોતાના અનુભવીને કારણે ડ્રેસિંગ રૂમમાં કોઇ પણ ઉપર ગુસ્સો જાહેર કરતો નથી. 

ટી. દિલીપે વધુમાં જણાવ્યું કે નંબર 6 ઉપર હવે રવીન્દ્ર જાડેજા અમારો પરિપક્વ બેટર બની ગયો છે અને ઘણા મેચમાં મહત્ત્વની ઇનિંગ રમ્યો છે. જે અમારી ટીમનો પ્લસ પોઇન્ટ છે જ્યારે અશ્વિન નીચના ક્રમનો ઉપયોગી બેટસમેન છે. આથી અમારી બેટિંગ ઉંડાઈ વધે છે. કોહલી વિશે જણાવ્યું કે તે અનુભવના આધારે સદીની ઇનિંગ રમી હતી. તે પહેલેથી જ મોટી ઇનિંગ રમવા પર ફોકસ કરી રહ્યો હતો. તેની બેટિંગમાંથી યુવા ખેલાડીઓને ઘણું શિખવાનું મળે છે. ડેબ્યૂ કરનાર મુકેશકુમાર વિશે કહ્યં કે તે આ માટે લાયક હતો, તે પાછલાં 3-4 વર્ષથી ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર દેખાવ કરી રહ્યો છે.