• બુધવાર, 15 મે, 2024

આજે ચેન્નઈ અને દિલ્હી વચ્ચે જંગ : ગાયકવાડની જીતની હેટટ્રિક ઉપર નજર  

ઋષભ પંતની આગેવાનીમાં દિલ્હી જીતનું ખાતું ખોલાવવા મેદાનમાં ઊતરશે

વિશાખાપટ્ટનમ, તા. 30 : આઈપીએલ 2024મા રવિવારે ડબલ હેડરનો બીજો મુકાબલો સાંજે 7.30 વાગ્યે વિશાખાપટ્ટનમમાં દિલ્હી અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. ચેન્નઈએ વર્તમાન સીઝનમાં અત્યારસુધીમાં બે મેચ રમ્યા છે અને બન્ને જીત્યા છે. ઋતુરાજ ગાયકવાડની આગેવાનીમાં ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને છે. જ્યારે ઋષભ પંતની આગેવાનીની દિલ્હીની ટીમને પહેલી જીતની રાહ છે. દિલ્હીએ અત્યારસુધીમાં બન્ને મેચ ગુમાવ્યા છે. 

દિલ્હી કેપિટલ્સની બેટિંગ બેરંગ લાગી રહી છે અને બેટિંગ મુખ્ય કમજોરી છે. તેવમાં પૃથ્વી શોને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે. ટી20મા પહેલાના રેકોર્ડ મહત્ત્વના નથી હોતા પણ ચેન્નઈ સામેનો મુકાબલો દિલ્હી માટે ક્યારેય સરળ રહ્યો નથી. ગત ચાર મુકાબલાની વાત કરવામાં આવે તો દિલ્હી કેપિટલ્સને 91, 27 અને 77 રને હારનો સામનો કરવો પડયો હતો. ત્રણેય મુકાબલામાં દિલ્હીના મહત્વના ખેલાડીઓ ટીમમાં સામેલ હતા. માત્ર છેલ્લા મેચમાં પંત સામેલ નહોતો. એટલે કે પૂરી મજબૂત ટીમ હોવા છતા પણ ચેન્નઈને હરાવવું સરળ રહ્યું નથી. બીજી તરફ ચેન્નઈની ટીમ સંતુલિત છે. ડેવોન કોનવેની ગેરહાજરીમાં રચિન રવિન્દ્ર ટોપ ઓર્ડરમાં સારી બેટિંગ કરી રહ્યો છે. શિવમ દુબે પણ ફિનિશર તરીકે સારો રોલ નિભાવી રહ્યો છે. તેમજ કેપ્ટન ગાયકવાડ ટીમને ઝડપી શરૂઆત અપાવવામાં સફળ રહ્યો છે. 

દિલ્હીએ નિલામીમાં જે ખેલાડીઓ ઉપર દાવ રમ્યો છે તેઓ રમી શક્યા નથી. રણજીમાં સૌથી વધુ રન કરનારો રિકી ભુઈ આઈપીએલનું દબાણ સહન કરી શક્યો નથી. ડેવિડ વોર્નર અને મિચેલ માર્શના પ્રદર્શનમાં પણ નિરંતરતા નથી. તેવામાં શોને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. બીજી તરફ ચેન્નઈ પાસે મુસ્તફિઝુર રહેમાન, દીપક ચાહર, મથિશા પથિરાના અને રવીન્દ્ર જાડેજાના રૂપમાં એવી બોલિંગ લાઈન છે જે કોઈ પણ બેટ્સમેનને રોકી શકે છે. જ્યારે દિલ્હીની બોલિંગ પણ નબળી રહી છે.