• ગુરુવાર, 16 મે, 2024

ટેસ્ટ ક્રિકેટમાં એન્ડરસનની 700 વિકેટ

700 વિકેટ લેનારો સૌથી પહેલો ફાસ્ટ બૉલર બન્યો : 41 વર્ષની ઉંમરે બનાવ્યો રેકોર્ડ

નવી દિલ્હી, તા. 9: ઇંગ્લેન્ડના સ્પીડસ્ટાર જેમ્સ એન્ડરસને ટેસ્ટ ક્રિકેટમાં નવો ઈતિહાસ રચી દીધો છે. એન્ડરસનની ટેસ્ટ ક્રિકેટમાં 700 વિકેટ પૂરી થઈ છે. ભારત સામે ધર્મશાળા ટેસ્ટના ત્રીજા દિવસે તેણે ઉપલબ્ધી મેળવી હતી. એન્ડરસનની 700મી વિકેટ કુલદીપ યાદવના રૂપમાં રહી હતી. એન્ડરસન 700 ટેસ્ટ વિકેટનાં સ્તરે પહોંચનારો પહેલો ફાસ્ટ બોલર છે.

જેમ્સ એન્ડરસનની 699મી વિકેટ શુભમન ગીલનાં રૂપમાં પડી હતી. 41 વર્ષની ઉમરે એન્ડરસને કિર્તિમાન બનાવ્યો છે. કુલદીપ યાદવને એન્ડરસને વિકેટની પાછળ કેચ આઉટ કરાવ્યો હતો. ભારત સામે ટેસ્ટ શ્રેણી શરૂ થયા પહેલાથી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી કે એન્ડરસન શ્રેણીમાં પોતાની 700 વિકેટ પૂરી કરશે. 

શ્રેણી શરૂ થતા પહેલા એન્ડરસનની 690 વિકેટ હતી. એન્ડરસનને હૈદરાબાદમાં રમાયેલા પહેલા ટેસ્ટ મેચમાં તક મળી નહોતી. વિશાખાપટ્ટનમમાં તે રમવા ઉતર્યો હતો અને પાંચ વિકેટ લીધી હતી. બાદમાં રાજકોટ ટેસ્ટમાં એક વિકેટ લીધી હતી. બાદમાં રાંચીમાં બે વિકેટ મેળવી હતી. 

જેમ્સ એન્ડરસને ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ 2003માં ઝિમ્બાબ્વે સામે લોર્ડસમાં કર્યું હતું. તે અત્યારસુધીમાં 187 મેચ રમી ચૂક્યો છે. એન્ડરસનથી વધારે ટેસ્ટ મેચ માત્ર સચિન તેંડુલકર રમ્યો છે. સચિનનાં નામે 200 ટેસ્ટ મેચ છે. એન્ડરસને 194 વન ડે રમ્યા છે. જેમાં 269 વિકેટ લીધી છે. ઉપરાંત 19 ટી 20માં 18 વિકેટ છે. 

સૌથી                      વધુ               વિકેટ

ખેલાડી                    દેશ               વિકેટ

મુથૈયા મુરલીધરન       શ્રીલંકા           800

શેન વોર્ન                 ઓસ્ટ્રેલિયા      708

જેમ્સ એન્ડરસન        ઇંગ્લેન્ડ           700

અનિલ કુંબલે             ભારત            619

સ્ટુઅર્ટ બ્રોડ               167             604

ગ્લેન મેકગ્રા               124             563