• બુધવાર, 15 મે, 2024

કૉંગ્રેસનો સત્તામાં રહી સટ્ટાનો ખેલ  

મહાદેવ ગૅમિંગ ઍપ કેસમાં ભૂપેશ બઘેલ સામે સ્મૃતિ ઇરાનીનો આક્ષેપમારો 

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 4 : મહાદેવ ગેમિંગ ઍપ કેસમાં છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલનું નામ સામે આવ્યા બાદ કેન્દ્રના પ્રધાન સ્મૃતિ ઇરાનીએ આજે કૉંગ્રેસ અને બઘેલ સામે આક્ષેપોનો મારો બોલાવ્યો હતો. પત્રકાર પરિષદમાં ઇરાનીએ કહ્યું હતું કે કૉંગ્રેસ પાર્ટી હવાલા અૉપરેટરોનો ઉપયોગ કરીને છત્તીસગઢની ચૂંટણી લડી રહી છે. સત્તામાં રહીને સટ્ટાનો ખેલ કરી રહી છે કૉંગ્રેસ. છત્તીસગઢમાં કૉંગ્રેસના ચૂંટણી ખર્ચનું ફન્ડિંગ કરવા માટે ગેરકાયદે સટ્ટેબાજ સંચાલકોના હવાલા કારોબાર અને દુબઇથી આવેલા ગેરકાયદે ધનના ઉપયોગ સંબંધે ચોંકાવનારા પુરાવાઓમાંથી કેટલાક સામે આવ્યા છે.

ઇરાનીએ જણાવ્યું હતું કે છત્તીસગઢ પોલીસ કેન્દ્રને આધિન નથી અને ત્યાં ભાજપનું શાસન પણ નથી. ચંદ્રભૂષણ વર્માએ છત્તીસગઢ પોલીસ પાસેથી સુરક્ષા સુનિશ્ચિત કરવા મહાદેવ બૅટિંગ ઍપના પ્રમોટર્સ અને છત્તીસગઢ સરકારના નેતાઓ વચ્ચે મધ્યસ્થીની કબૂલાત ઇડી સમક્ષ કરી છે. આ માટે વર્માએ 65 કરોડ રૂપિયાની લાંચની રકમ સંભાળવાની પણ કબૂલાત કરી છે. ઍપના કેસમાં થયેલી તપાસ અને નોંધાયેલાં નિવેદનો દ્વારા જાણમાં આવ્યું છે કે 450 કરોડ રૂપિયાની અપરાધિક રકમ જપ્ત કરાઇ છે. ઇરાનીએ બઘેલને સવાલો કર્યા હતા કે શું એ સાચું છે કે આ કેસમાં ધરપકડ કરાયેલા અસીમ દાસને પૈસા લેવા અને કૉંગ્રેસને ચૂંટણીમાં મદદ કરવાના આદેશ આપ્યા હતા? એ સાચું છે કે અસીમ દાસને ખાસ તો ભૂપેશ બઘેલને નાણાં પહોંચાડવા માટે દુબઈ બોલાવાયો હતો? આ કેસમાં પકડાયેલા 5.30 કરોડ રૂપિયા ઉપરાંત કેટલીક બૅન્કના ખાતાઓમાંથી 15.50 કરોડ રૂપિયાની રકમ જપ્ત કરાઇ હતી એ વાત સાચી છે?

ઇરાનીએ આક્ષેપ કર્યો હતો કે ગરીબોના પૈસા લૂંટીને સટ્ટાબાજી રેકેટથી ચૂંટણી ફંડમાં જમા કરાયા છે. ખુદ મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલ ગેરકાયદે સટ્ટાબાજીના ખેલમાં સામેલ છે, એવો આક્ષેપ પણ ઇરાનીએ કર્યો છે. પકડાયેલા આરોપી અસીમ દાસે મહાદેવ ઍપના માધ્યમથી ગેરકાયદે સટ્ટાબાજી રેકેટ ચલાવવા માટે સુરક્ષા આપવાના બદલે બઘેલને 508 કરોડ રૂપિયા આપ્યાનું સ્વીકાર્યું છે.