• ગુરુવાર, 16 મે, 2024

ભારતમાં સરકાર પર વિપક્ષના હુમલા તીવ્ર

આનંદ કે. વ્યાસ તરફથી 

નવી દિલ્હી, તા.  28 : ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં દુશ્મની ખતમ કરવા ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામનું આહ્વાન કરતા પ્રસ્તાવ પર મતદાન કરવાનું ટાળ્યું હતું. યુનોમાં ગાઝા સંઘર્ષ વિરામ પર મોદી સરકારનાં આવાં વલણથી વિફરેલા વિપક્ષના નેતાઓએ સરકારની વિદેશનીતિ સામે સવાલ ઉઠાવ્યા હતા. સત્તારૂઢ પક્ષના વિપક્ષ પર પલટવારથી યુદ્ધવિરામ મુદ્દે રાજકીય યુદ્ધ સર્જાર્યું હતું.

મતદાનથી દૂર રહેવાનાં ભારત સરકારનાં વલણ પર પ્રહાર કરતાં કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, આ મોદી સરકારનાં પગલાંથી સ્તબ્ધ છું. શરમજનક કહેવાય. પ્રિયંકા પર પલટવાર કરતાં મોદી સરકારના મંત્રી ગિરીરાજસિંહે જણાવ્યું હતું કે, ભારત પેલેસ્ટાઇનની પડખે છે, પરંતુ પ્રિયંકા ગાંધી મતો માટે આતંકવાદી જૂથ હમાસની સાથે છે. હમાસ માનવતા પર કલંક છે. તેનો પક્ષ કોંગ્રેસ જ લઇ શકે. પ્રિયંકાએ પ્રહારો કરતાં કહ્યું હતું કે, માનવતાના દરેક કાયદાને નષ્ટ કરી દેવાયા છે. લાખો લોકોને ભોજન, પાણી, વીજળી, દવા વગર ભૂખ્યા, તરસ્યા, બીમાર રખાયા છે. હજારો માનવ જિંદગી હોમાઇ છે, ત્યારે મતદાનથી દૂર રહી આ વિનાશ ચૂપચાપ જોવો ભારે ખોટું વલણ છે.

મતદાનથી દૂર રહેવાનાં વલણ પર પ્રહાર કરતા એનસીપી સુપ્રીમો શરદ પવારે પણ કહ્યું હતું કે, પેલેસ્ટાઇનના મુદ્દે ભારત સરકારમાં ભ્રમની સ્થિતિ છે.

ભારતની નીતિ પેલેસ્ટાઇનનું સમર્થન કરવાની હતી, ઇઝરાયલનું નહીં. પેલેસ્ટાઈનમાં હજારો લોકો મરી રહ્યા છે અને ભારતે કદી તેનું સમર્થન કર્યું નથી. એ જોતાં અત્યારની સરકારમાં અસમંજસની સ્થિતિ છે, તેવું પવારે કહ્યું હતું.

અસદુદ્દીન ઓવૈસીએ પણ કહ્યું હતું કે, મોદી સરકારે માનવીય સંઘર્ષ વિરામ અને નાગરિક જીવનની સુરક્ષા માટે સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ પર મતદાનથી દૂર રહેવાનું પસંદ કર્યું, તે ખરેખર આશ્ચર્ય પમાડે તેવું પગલું છે.