• ગુરુવાર, 16 મે, 2024

વંદે ભારત સહિતની ટ્રેનોના એસી/એક્ઝિક્યુટિવ ક્લાસનાં ભાડાંમાં પચીસ ટકાનો ઘટાડો

રેલવે મંત્રાલયની પ્રવાસીઓને રાહતરૂપ જાહેરાત

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 8 : રેલવે મંત્રાલયે જાહેર કર્યું છે કે વંદે ભારત સહિત તમામ ટ્રેનોના એસી ચૅરકાર અને એક્ઝિક્યુટીવ ક્લાસના ભાડામાં પચીસ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. છેલ્લા એક મહિના દરમિયાન જે ટ્રેનોમાં અૉક્યુપન્સી (બેઠકો) પચાસ ટકા કરતાં ઓછી ભરાઈ હોય એવી ટ્રેનોમાં ડિસ્કાઉન્ટેડ ફેર સ્કીમ શરૂ કરવાનું રેલવે બોર્ડે નક્કી ર્ક્યું છે.

ટેનોમાં વધુમાં વધુ બેઠકોનો ઉપયોગ થાય એ દૃષ્ટિથી એસી બેઠકો ધરાવતી ટ્રેનોના ભાડામાં રાહત આપવાની સત્તા ઝોનલ રેલવેને આપવાનું નક્કી કરાયું હોવાનું રેલવે મંત્રાલયે જણાવ્યું છે. અનુભૂતિ અને વિસ્ટાડોમ કોચ સહિત એસી બેઠકો ધરાવતી તમામ ટ્રેનોની એસી ચૅરકાર અને એક્ઝિક્યુટીવ શ્રેણીમાં આ ડિસ્કાઉન્ટેડ સ્કીમ લાગુ થશે.

આ યોજના હેઠળ મૂળ ભાડા પર મહત્તમ પચીસ ટકાનું ડિસ્કાઉન્ટ અપાશે. રિઝર્વેશન ચાર્જ, સુપર ફાસ્ટ ચાર્જ, જીએસટી જેવા અન્ય ચાર્જ અલગથી લગાડવામાં આવશે. કેટલી બેઠકો ભરાય છે એના આધારે ટ્રેનના કોઈપણ અથવા તમામ ક્લાસમાં ડિસ્કાઉન્ટ આપી શકાશે. આ ડિસ્કાઉન્ટ તાત્કાલિક અસરથી લાગુ કરાશે એવું રેલવે મંત્રાલયે જણાવ્યું છે. 

જોકે, પહેલાંથી બુકિંગ કરાવનારા પ્રવાસીઓને રિફન્ડ નહીં અપાય. કોઈ ચોક્કસ ક્લાસમાં ફ્લેક્સી ફેર યોજના અમલમાં હોય અને અૉક્યુપન્સી ઓછી હોય તો એ ટ્રેનમાં અૉક્યુપન્સી વધારવા માટે શરૂઆતમાં ફ્લેક્સી ફેર યોજના પાછી ખેંચાઈ શકે છે. જો શરૂઆતથી અંત સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હોય તો એવી ટ્રેનોમાં નિશ્ચિત કરાયેલા સમય માટે તત્કાલ ક્વોટા નક્કી નહીં કરાય. જો ટ્રેનની આંશિક યાત્રા માટે ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હોય તો જ્યાં ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હોય એ હિસ્સા માટે તત્કાલ ક્વોટા નહીં આપી શકાય. આ યોજના હોલી ડે અથવા ફેસ્ટિવલ સ્પેશિયલ જેવી વિશેષ ટ્રેનો માટે લાગુ નહીં થાય.