• ગુરુવાર, 16 મે, 2024

ઝરદારી ફરી બન્યા પાકિસ્તાનના પ્રમુખ  

181 સામે 411 મતથી ઝરદારી વિજેતા જાહેર

ઈસ્લામાબાદ, તા.9: આસીફ અલી ઝરદારી પાકિસ્તાનનાં પ્રમુખ બની ગયા છે. તેમણે બીજીવાર પાકિસ્તાનનું સર્વોચ્ચ પદ સંભાળ્યું છે. તેમની જીત આમ તો પહેલેથી નિશ્ચિત જણાતી હતી પણ સત્તાવાર પરિણામો હવે જાહેર થયા છે. 

પાકિસ્તાનમાં પ્રમુખની ચૂંટણી માટે શનિવારે મતદાન થયું હતું. મતગણતરી બાદ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા આસિફ અલી ઝરદારીને 411 મતોથી વિજેતા જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે તેમના હરીફ મહમૂદ અચકઝાઈને માત્ર 181 વોટ મળ્યા છે. નવા પ્રમુખ આસિફ ઝરદારી વર્તમાન પ્રમુખ ડો. આરિફ અલ્વીનું સ્થાન લેશે, જેમનો પાંચ વર્ષનો કાર્યકાળ ગયા વર્ષે પૂર્ણ થયો હતો. આસિફ અલી ઝરદારી લગભગ 11 વર્ષ બાદ ફરીથી પાકિસ્તાનના સર્વોચ્ચ બંધારણીય પદ પર પહોંચ્યા છે. આસિફ ઝરદારી સપ્ટેમ્બર 2008 થી 2013 સુધી પાકિસ્તાનના પ્રમુખ હતા. હવે બીજી વખત તેઓ પાકિસ્તાનના પ્રમુખ બન્યા છે. 

આસિફ ઝરદારીને નેશનલ એસેમ્બલીમાં કુલ 255 વોટ મળ્યા છે. બીજા ક્રમે આવેલા મહેમૂદ અચકઝાઈને 119 વોટ મળ્યા હતા. આસિફ ઝરદારીને નેશનલ એસેમ્બલી અને ચાર પ્રાંતોમાં કુલ 411 ઈલેક્ટોરલ વોટ મળ્યા, જ્યારે અચકઝાઈને કુલ 181 વોટ મળ્યા. ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના સમર્થનથી પાકિસ્તાનની પ્રમુખની ચૂંટણીમાં આસિફ અલી ઝરદારી સામે ચૂંટણી લડનારા મહમૂદ ખાન અચકઝાઈએ કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને પંજાબમાં મજબૂત મત મેળવ્યા હતા, પરંતુ તેમ છતાં તેઓ ચૂંટણી જીતવાથી દૂર રહ્યા.