• બુધવાર, 15 મે, 2024

એઆઇને નાથવા માટે યુરોપિયન યુનિયન કાયદો લાવશે  

લોકોનાં હિતોને હાનિકારક

નવી દિલ્હી, તા. 9 : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો સૌથી  વધારે ઉપયોગ ખોટાં કામો માટે કરાય છે. આમ થવાથી ઘણા પડકારો વિશ્વ સામે ઊભા થઇ શકે છે. આ હકીકતને ગંભીરતાથી ધ્યાને લેતાં એઆઇ પર નિયંત્રણ લાવવા માટે એક કાયદો લાવવાની તૈયારી થઇ રહી છે. ભારત જ નહીં, પરંતુ અમેરિકા સહિત દુનિયાના  અનેક દેશોને  પરેશાન કરનાર એઆઇની સુવિધાને  નાથવાની વાતો ઘણી થઇ છે. કોઇ કાયદો નથી, પરંતુ હવે યુરોપીય સંઘ કાયદો લાવવા સહમત થયું છે.

અહેવાલ અનુસાર યુરોપિયન યુનિયને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર નિયમન લાવવા કાયદો ઘડવાની તૈયારી બતાવી છે. જો આવું બને તો આખી દુનિયામાં પહેલીવાર એવું થશે જ્યારે એઆઇની સુવિધા કાયદાના દાયરામાં આવશે. એઆઇ અધિનિયમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં ગતિભેર થઇ રહેલા વિકાસ સાથે તેનાં જોખમો પર નિયંત્રણ રાખશે.

આ કાયદો લોકોની સુરક્ષા, આજીવિકા કે અધિકાર પર જોખમ સર્જી શકે તેવા એઆઇના દુરુપયોગ પર કાબૂ લાવશે. કાયદો આવ્યા બાદ ઓપન એઆઇ, ચેટ જીટીપી, ગૂગલ બાર્ડ, જેમિની, મેટાના ઇમેજીનને આ કાયદો લાગુ રહેશે.