• મંગળવાર, 14 મે, 2024

અજિત પવારને પોતાના ગણાવીને શરદ પવારે સરકારમાંના પક્ષોમાં સભ્રમ સર્જ્યો

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 26 : અજિત પવાર અમારા નેતા છે અને રાષ્ટ્રવાદીમાં કોઈ ભાગલા નથી એવા રાષ્ટ્રવાદી કૉંગ્રેસના વડા શરદ પવારના વિધાનનાં રાજકીય વર્તુળોમાં અલગ અલગ અર્થ કાઢવામાં આવી રહ્યા છે. રાજકીય વર્તુળોમાં અત્યંત ચતુર અને પોતાનું મન કળવા દે નહીં એવા રાજકારણી તરીકે શરદ પવાર જાણીતા છે.

રાજકીય સમીક્ષકો માને છે કે શરદ પવાર દ્વારા આ પ્રકારનું વિધાન કરવા બદલ બેથી ત્રણ ગણતરી હોઈ શકે છે. રાષ્ટ્રવાદીમાંથી છૂટા પડેલા અજિત પવારના જૂથ વિરુદ્ધ શરદ પવાર જૂથે અપાત્રતાની અરજી દાખલ કરી છે જ્યારે અજિત પવારના જૂથે ચૂંટણી પંચ સમક્ષ દાવો કર્યો છે કે પોતાનું જૂથ જ સાચી રાષ્ટ્રવાદી પાર્ટી છે. મહારાષ્ટ્રની સરકારમાં જોડાયેલા અજિત પવારની વિશ્વસનીયતા ઉપર પ્રશ્નો ઊભા થાય એવી ગણતરીથી શરદ પવારે આ વિધાન કર્યું હોવાનું મનાય છે. આ વિધાનને કારણે અજિત પવાર માટે સરકારમાં અને સાથી પક્ષો સાથે સુમેળ સાધવાનું મુશ્કેલ બનશે.

શરદ પવારની બીજી ગણતરી એવી છે કે છેલ્લા કેટલાક વખતથી રાષ્ટ્રવાદીના કાર્યકરોમાં શરદ પવાર જૂથમાં જવું કે અજિત પવાર જૂથ? તે અંગે દ્વીધા પ્રવર્તે છે. આ દ્વીધાને લીધે અજિત પવારને આખો પક્ષ કબજો કરવાનું મુશ્કેલ બનશે. શરદ પવાર ઇચ્છે છે કે અજિત પવારનું શિંદે-ફડણવીસ સરકારમાંનું ભવિષ્ય કપરા ચઢાણવાળું બને.

શરદ પવાર એવું વાતાવરણ ઊભું કરી રહ્યા છે કે ભવિષ્યમાં કાકા-ભત્રીજા એટલે કે શરદ પવાર અને અજિત પવાર ફરી સાથે રાજકીય સાથી બની શકે છે. આ સ્થિતિને કારણે મુખ્ય પ્રધાન શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન ફડણવીસ અજિત પવાર સાથે અંતર રાખે એવી વકી છે.