• મંગળવાર, 14 મે, 2024

એન્જલ ટૅક્સનો ઉદ્દેશ હવાલાના વ્યવહારોને અટકાવવાનો છે : પીયૂષ ગોયલ  

મુંબઈ, તા. 30 : વાણિજ્ય અને ઇન્ડસ્ટ્રી પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે એન્જલ ટૅક્સનો ઉદ્દેશ હવાલાના વ્યવહારોને નિયંત્રણમાં લેવાનો છે. કેટલીક લેભાગુ કંપનીઓનો ઉપયોગ હવાલાના વ્યવહારો માટે અથવા મૂડીનું નિર્માણ કરવા માટે કરવામાં આવે છે. લેભાગુ પ્રમોટરો કંપનીઓનું નિર્માણ કરે છે. ઊંચા વેલ્યુએશને શૅર્સ ઇસ્યુ કરે છે અને મૂડીનું નિર્માણ કરે છે. દૂષણને ડામવા માટે અને વેલ્યુએશનનાં ધોરણોની ખાતરી માટે એન્જલ ટૅક્સ લાગુ કરવામાં આવ્યો છે.

જે સ્ટાર્ટ અપ્સે વિદેશોમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને હવે ભારત પાછા ફરવા માગે છે એવા સ્ટાર્ટ અપ્સનો કરવેરામાં રાહત આપવાનો પીયૂષ ગોયલે ઇનકાર કરી દીધો છે. જો કોઈ પણ સ્ટાર્ટઅપ કંપની ભારત પાછી આવવા માગતી હોય તો એમણે ટૅક્સ ભરવો પડશે. સરકાર કોઈ પણ પ્રકારનો ભેદભાવ ના કરી શકે. કંપનીઓ કોઈ દબાણ અથવા કારણસર ભારતની બહાર નહોતી ગઈ. કંપનીઓ સારા ટૅક્સ પ્લાનિંગ માટે ભારતથી બહાર ગઈ હતી. જો કંપનીઓ ભારતમાં ટૅક્સ ચૂકવે તો સરકાર એનો વપરાશ વેલ્ફર સ્કીમો માટે કરી શકે. પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે સરકાર વિવિધ સ્કીમો દ્વારા સ્ટાર્ટ અપ્સને મદદ કરે છે.