• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

રાયપુર સ્ટેડિયમનું બાકી બિલ 3 કરોડને પાર

ભારત-અૉસ્ટ્રેલિયા મૅચ પહેલા જ લેવામાં આવ્યું હતું અસ્થાયી કનેક્શન

નવી દિલ્હી, તા. 2 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નવા રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમાં એક ડિસેમ્બરના રોજ પાંચ મેચની શ્રેણીનો ચોથો મેચ રમાયો હતો. જો કે સ્ટેડિયમમાં નિયમિત વિજ કનેક્શન નથી. કારણ કે રાજ્ય સરકારના અધિકારીઓએ વીજળીનું બિલ છેલ્લાં ઘણાં વર્ષથી ભર્યું નથી. તેવામાં મેચ પહેલા જ સવાલ ઉઠી રહ્યો હતો કે મેચ રમાઈ શકશે કે નહીં. 

રિપોર્ટ મુજબ સ્ટેડિયમનું લાઇટ બિલ ત્રણ કરોડ જેટલું બાકી હતું. જો કે સ્ટેડિયમમાં રમાતા મેચ ઉપર બાકી રહેલા બિલની કોઈ અસર પડતી નથી, કારણ કે છત્તીસગઢ રાજ્ય ક્રિકેટ એસોસિયેશન જ્યારે પણ જરૂર હોય ત્યારે વીજ કંપની પાસેથી અસ્થાયી કનેક્શન મેળવે છે. ભારત અને ઓસ્ટ્રેલિયાના મેચ પહેલા ઘણા રિપોર્ટમાં મેચને લઈને અલગ અલગ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ મામલે સીએસપીડીસીએલના પ્રમુખ અશોક ખંડેલવાલે કહ્યું હતું કે સ્ટેડિયમ નિર્માણ સમિતિનાં આવેદન ઉપર 2010માં સ્ટેડિયમને વીજ કનેક્શન આપવામાં આવ્યું હતું. જો કે 2018 સુધીનું બાકી બિલ 3.16 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું. જેને લઈને કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. બાદમાં સ્ટેડિયમ ઓથોરિટીએ 200 કેવીએના અસ્થાયી કનેક્શન માટે અરજી કરી હતી. જે મંજૂર કરવામાં આવ્યું હતું, કારણ કે ઘણા લોકો મેચ જોવા માટે આવતા હોય છે. આ ઉપરાંત બાકી બિલ માટે રાજ્ય ખેલ અને યુવા કલ્યાણ વિભાગને નોટિસ મોકલી હતી. જેમા આશ્વાસન આપવામાં આવ્યું છે કે બાકી બિલની ચુકવણી કરી દેવામાં આવશે.