અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : મહારાષ્ટ્રમાં નાગપુરના 13 વર્ષના બૅટ્સમૅન યશ ચાવડેએ જુનિયર સ્કૂલ ટુર્નામેન્ટમાં 508 રનની અણનમ ઇનિંગ રમીને ઇતિહાસ સર્જ્યો છે. નાગપુરમાં શુક્રવારે રમાયેલી 40-40 ઓવરની આ મૅચમાં સરસ્વતી વિદ્યાલયએ ચાવડેના અણનમ 508 રનની મદદથી વિનાવિકેટે 714 રન કર્યા હતા. તેના જવાબમાં હરીફ સિદ્ધેશ્વર વિદ્યાલયની ટીમ પાંચ ઓવરમાં માત્ર નવ રનના જુમલે ઓલઆઉટ થઈ ગઈ હતી. તેથી આ મૅચમાં સરસ્વતી વિદ્યાલયનો 705 રનથી વિજય થયો હતો. યશ ચાવડેએ 178 દડામાં 81 ચોગ્ગા અને 18 છગ્ગાની મદદથી 508 રન કરીને નોટ આઉટ રહ્યો હતો. આ સાથે યશ ચાવડે આંતરશાળા મર્યાદિત ઓવરની ક્રિકેટ મૅચમાં 500 કે તેથી વધુ રન કરનારો પ્રથમ બૅટ્સમૅન બન્યો છે. આંતરશાળાની કેટેગરીમાં સહુથી વધુ રન કરવાનો વિશ્વવિક્રમ શ્રીલંકાના ચિરથ સેલેપુરેમા ધરાવે છે. તેમણે 2022માં શ્રીલંકામાં અંડર-15 મૅચમાં 553 રન કર્યા હતા.