• રવિવાર, 19 મે, 2024

દેવધર ટ્રૉફીમાં રિયાન પરાગનો કહેર  

84 બૉલમાં ફટકારી સદી : ઇસ્ટ ઝોનનો 88 રને વિજય 

નવી દિલ્હી, તા. 29: ખરાબ ફોર્મનાં કારણે નિશાને રહેતા રિયાન પરાગે દેવધર ટ્રોફીમાં પોતાની ઇનિંગથી કહેર મચાવ્યો છે. ઇસ્ટ ઝોનના બેટ્સમેન પરાગે નોર્થ ઝોન સામે તોફાની સદી કરી છે. તેણે પોતાની ઇનિંગમાં પાંચ ચોગ્ગા અને 11 છગ્ગા ફટકાર્યા હતા. રિયાન પરાગને સતત ખરાબ ફોર્મના કારણે ટ્રોલ કરવામાં આવી રહ્યો હતો. 

દેવધર ટ્રોફીના મેચમાં ઇસ્ટ ઝોનની ટીમ પહેલા બેટિંગ કરવા ઉતરી હતી. ઇસ્ટ ઝોનની ટીમે 57 રનના સ્કોરે પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. બાદમાં રિયાન પરાગે મોરચો સંભાળ્યો હતો અને કુમાર કુશાગ્ર સાથે મળીને તાબડતોડ બેટિંગ કરી હતી. બન્ને બેટ્સમેન વચ્ચે 235 રનની ભાગીદારી થઈ હતી. કુશાગ્ર સદીથી ચૂકી ગયો હતો અને 87 બોલમાં 98 રન કર્યા હતા. જો કે પરાગે 84 બોલમાં સદી પૂરી કરી હતી. તે 102 બોલમાં 131 રન કરીને આઉટ થયો હતો. આ દરમિયાન પાંચ ચોગ્ગા અને 11 છગ્ગા ફટકાર્યા હતા. ઇસ્ટ ઝોનની ટીમે આ સાથે 8 વિકેટે 337 રન કર્યા હતા. બાદમાં રિયાન પરાગે બોલિંગમાં દમ બતાવ્યો હતો અને ચાર વિકેટ લીધી હતી. જેનાથી નોર્થ ઝોનની ટીમ 45.3 ઓવરમાં 249 રને આઉટ થઈ હતી. ઇસ્ટ ઝોને આ મુકાબલો 88 રને જીતી લીધો હતો.