• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

39 વર્ષની ઉંમરે સદી ફટકારી નબીએ રેકોર્ડ બનાવ્યો

મહાન સચીન તેંડુલકરથી આગળ થયો

પાલ્લેકલ, તા.10: અફઘાનિસ્તાનના અનુભવી ઓલરાઉન્ડર મોહમ્મદ નબીએ શ્રીલંકા વિરુદ્ધના પહેલા વન ડેમાં એક ખાસ રેકોર્ડ તેનાં નામે કર્યો છે. નબીએ 130 દડામાં 15 ચોક્કા-3 છક્કાથી 136 રનની આક્રમક ઇનિંગ રમી હતી. તેના અને અજમતુલ્લાહ ઓમરજાઇ (અણનમ 149) વચ્ચે છઠ્ઠી વિકેટમાં 242 રનની ભાગીદારી થઈ હતી. જો કે શ્રીલંકા સામે અફઘાન ટીમનો અંતમાં 42 રને પરાજય થયો હતો. શ્રીલંકાએ પહેલા બેટિંગ કરતા 3 વિકેટે 381 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. પથૂમ નિસંકા (અણનમ 210) શ્રીલંકા તરફથી બેવડી સદી કરનારો પહેલો બેટધર બન્યો હતો.

મોહમ્મદ નબી વન ડે ઇતિહાસનો છઠ્ઠો સૌથી મોટી વયનો સદી કરનારો બેટધર બન્યો છે. તેણે 39 વર્ષ અને 39 દિવસની ઉંમરે સદી ફટકારી હતી. તેણે મહાન સચિન તેંડુલકરને પાછળ રાખી દીધો છે. સચિને 38 વર્ષ અને 327 દિવસની વયે વન ડેમાં સદી કરી હતી. જે સચિનની કેરિયરની 100મી ઇન્ટરનેશનલ સદી હતી. સૌથી વધુ ઉંમરે સદી કરવાનો રેકોર્ડ યુએઇના ખુર્રમ ખાનનાં નામે છે. તેણે 43 વર્ષ અને 162 દિવસે વન ડેમાં સદી કરી હતી.