• રવિવાર, 29 જાન્યુઆરી, 2023
ભારતે બનાવ્યો ક્રિકેટ મેદાનનો વિશ્વવિક્રમ
|

દેશમાં 50મા મેદાન ઉપર રમાયો વનડે ઈન્ટરનેશનલ 

નવી દિલ્હી, તા. 21 : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડથી મોટાભાગના દેશના બોર્ડને ઈર્ષ્યા આવે છે, કારણ કે બીસીસીઆઈ દરેક બાબતોમાં સક્ષમ છે. ભારત પાસે અત્યારે દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. આ ઉપરાંત દુનિયાની સૌથી મોટી ટી20 લીગ પણ છે. આ ઉપરાંત બીસીસીઆઈ પાસે એવી ક્ષમતા છે કે એક સાથે એકથી વધારે ટીમ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર રમી શકે છે. આ દરમિયાન શનિવારે બીસીસીઆઈએ એક નવો વિક્રમ ક્રિકેટની દુનિયામાં બનાવ્યો છે. ભારત દુનિયાનો પહેલો એવો દેશ બન્યો છે જ્યાં 50 મેદાન ઉપર વનડે ઈન્ટરનેશનલ મેચનું આયોજન થઈ ચૂક્યું છે અને તેમાં મોટાભાગના મેદાનો ઉપર ભારતીય ટીમ રમી ચૂકી છે. શનિવારે ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ રાયપુરમાં બનેલા શહીદ વીર નારાયણ સ્ટેડિયમમાં રમવા ઉતરી ત્યારે ભારત માટે આ ગૌરવભરી ક્ષણ હતી, કારણ કે ભારતમાં બનેલું આ 50મું સ્ટેડિયમ છે. જેમાં કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમાયો હતો. આ ઉપલબ્ધિ મેળવનારો ભારત દુનિયાનો એકમાત્ર દેશ છે. દુનિયાના ઘણા એવા દેશો છે જ્યાં વધારે ક્રિકેટ મેદાન છે. જો કે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ જેવા દેશો ડ્રોપ ઈન પીચનો ઉપયોગ કરે છે. જેનાથી ફુટબોલ અને રગ્બી જેવી રમત માટે બનેલા સ્ટેડિયમમાં ક્રિકેટનું આયોજન કરી શકાય છે. બીજી તરફ ભારતમાં બનેલા સ્ટેડિયમમાં માત્ર અને માત્ર ક્રિકેટ જ રમાય છે. રાયપુરમાં બનેલા સ્ટેડિયમની દર્શક ક્ષમતા 60 હજાર કરતા વધારે છે અને તે દેશનું ત્રીજું સૌથી મોટું સ્ટેડિયમ છે.