• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

આજે ચાર રાજ્યનાં પરિણામ

જીતના દાવા-પ્રતિદાવા વચ્ચે

નવી દિલ્હી, તા.2 : લોભામણાં વચનો અને એકબીજા પર રાજકીય આરોપ-પ્રત્યારોપ વચ્ચે 4 રાજ્ય મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગણની વિધાનસભા ચૂંટણીનું તા.3ને રવિવારે પરિણામ જાહેર થશે. મિઝરોમમાં મતગણતરી એક દિવસ પછી તા.4ને સોમવારે થશે. મતદાન બાદ જાહેર થયેલા એક્ઝિટ પોલથી રાજકીય પક્ષોના જીવ ઉચ્ચક છે. 2024ની લોકસભા ચૂંટણીના મહાજંગ પહેલા પ રાજ્યની વિધાનસભા ચૂંટણીનો જનાદેશ રાષ્ટ્રીય સ્તરે મહત્ત્વનો બની રહેશે. ભાજપ અને કોંગ્રેસ માટે પરિણામ પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે. 

સરકારી કર્મચારીઓ, સિનિયર સિટિઝન અને દિવ્યાંગોના પોસ્ટલ બેલેટ સાથે સવારે 8 વાગ્યાથી કાઉન્ટિંગ શરૂ થશે જે સાથે ટ્રેન્ડ આવશે અને બપોર સુધીમાં સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. સાંજ સુધીમાં અંતિમ જનાદેશ આવી જશે. કુલ 638 બેઠકોનો ફેંસલો થવાનો છે, 75 જેટલી બેઠકો એવી છે જયાં મુખ્ય પ્રધાન, પ્રધાનો, સાંસદો, ધારાસભ્યો સહિત રાજકીય દિગ્ગજોનું ભાવિ સ્પષ્ટ થશે. પાંચ રાજયમાં 3માં મુખ્ય ટક્કર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે.

જાહેર થયેલા એકિઝટ પોલમાં મોટે ભાગે સંકેત અપાયો કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપ તથા છત્તીસગઢ અને તેલંગણમાં કોંગ્રેસની સરકાર રચાઈ શકે છે. કોંગ્રેસની નજર રાજસ્થાન અને છત્તીસગઢમાં સત્તા બચાવવા પર છે તો ભાજપ મધ્યપ્રદેશનો ગઢ બચાવવા આશાવાદી છે. તેલંગણમાં ભારત રાષ્ટ્ર સમિતિના કે.સી.રાવનું શાસન છે. ભાજપ અને કોંગ્રેસ બન્ને અહીં રાવનું એકચક્રી શાસન ભેદી સરકાર રચવા આશાવાદી છે.

મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અન તેલંગાણામાં ચૂંટણીના પરિણામો આવવાથી પહેલાં નેતાઓ એકમેકને મળવા માંડયા છે. ભાજપ અને કોંગ્રેસના નેતા પૂર્ણ બહુમત સાથે પોતાના પક્ષને જીત મળવાના દાવા કરી રહ્યા છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે જીતના વિશ્વાસ સાથે ભાજપ વિરોધી લહેર ચાલી રહી છે, તેવો દાવો કર્યો હતો.

મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે, ભાજપ ભારે બહુમત સાથે મધ્યપ્રદેશમાં સત્તા જાળવી રાખશે.

મધ્યપ્રદેશમાં તો કોંગ્રેસે એવાં પોસ્ટર પણ ઠેર ઠેર લગાવ્યાં છે, જેમાં લખ્યું છે કે, `જનતાનો આપવા સાથ ફરી આવી રહ્યા છે કમલનાથ'.

રાજસ્થાનના પૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજેએ દૌસા સ્થિત મેંહદીપુર બાલાજી મહારાજ મંદિરમાં પૂજા-આરતી કર્યા હતા.

બીજી તરફ કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઇએ કહ્યું હતું કે, રાજસ્થાનમાં અમારી સરકાર બનશે, તેવો વિશ્વાસ છે. પરિણામ આવ્યા બાદ ભાજપ બધાં નિવેદન પાછાં લેશે.

વાયએસઆર તેલંગાણાના અધ્યક્ષ શર્મિલાએ કહ્યું હતું કે, મુખ્ય પ્રધાન કેસીઆર ધારાસભ્યોને ખરીદીને સરકાર રચવાની કોશિશ કરી રહ્યા છે.

કેસીઆરના ભારત રાષ્ટ્ર સમિતિના સાંસદ કેશવરાવે કહ્યું હતું કે, એક્ઝિટપોલનું કોઇ મહત્ત્વ નથી. અમે ફરી સત્તામાં આવશું તેવો વિશ્વાસ છે.