• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

રાહુલ ગાંધી સામે ભાજપની ચૂંટણી પંચમાં રાવ  

પ્રચારબંધી બાદ ફ્રી સ્કીમ્સનાં વચનો આપ્યાં

જયપુર, તા. 25 : રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ઘોષણાઓનાં નામે વોટ આપવાની રાહુલ ગાંધીની અપીલ પર વિવાદ થયો છે. રાહુલની અપીલને આચારસંહિતાનું ઉલ્લંઘન ગણાવીને ભાજપે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને તેમના `એક્સ' એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.

ભાજપે રાજસ્થાન ચૂંટણી વિભાગમાં ફરિયાદ કરી છે અને તેમની સામે આચારસંહિતા ભંગ બદલ કેસ નોંધવાની માંગ કરી છે. 25 નવેમ્બર શનિવારે રાહુલ ગાંધીએ રાજસ્થાન ચૂંટણીમાં કોંગ્રેસને વોટ કરવાની અપીલ સાથે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મોટી જાહેરાતો કરી હતી.

ભાજપે ચૂંટણીપંચને કરેલી ફરિયાદમાં દલીલ કરી હતી કે, ચૂંટણી પ્રચાર પૂરો થયા પછી કોઈ નેતા જાહેરમાં પ્રચાર કરી શકે નહીં. જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 126માં સ્પષ્ટ જોગવાઈ છે કે, પ્રચાર બંધ થયા બાદ ટીવી, રેડિયો અને સોશિયલ મીડિયા પર પ્રચાર કરી શકાશે નહીં. 48 કલાકના સાયલેન્ટ પીરિયડ દરમિયાન કોઈ પણ પ્રકારના જાહેર પ્રચાર પર પ્રતિબંધ છે.

જે દરમિયાન કોઈ નેતા સોશિયલ મીડિયા, ટીવી અથવા રેડિયો પર કોઈ પણ પક્ષની તરફેણમાં પ્રચાર કરી શકશે નહીં. રાહુલે 48 કલાકના સાયલેન્ટ પીરિયડ દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ પ્રચાર કર્યો છે, ચૂંટણીની ઘોષણાઓનું પુનરાવર્તન કરીને મત માગ્યા છે.

ફરિયાદમાં એવી દલીલ કરાઇ છે કે, રાહુલ ગાંધી કોંગ્રેસના સ્ટાર પ્રચારક છે. રાહુલે કોંગ્રેસની તરફેણમાં એક પ્રચાર પોસ્ટ કર્યો, તેને સવારે 10.35 વાગ્યા સુધીમાં 2.30 લાખ લોકોએ જોયો. આ સાયલન્ટ પીરિયડ દરમિયાન જાહેર પ્રચાર છે, જે લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની જોગવાઈઓનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.

ભાજપનો આરોપ છે કે, રાહુલ ગાંધીએ મફત યોજનાઓની ગણતરી કરીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો, જે કાયદાકીય રીતે ખોટું છે. મતદારોને ખોટી રીતે પ્રભાવિત કરવાનો આ પ્રયાસ છે. જાતિની વસ્તીગણતરીનું વચન આપીને જ્ઞાતિના આધારે મતદારોને એકત્ર કરવાનો પ્રયાસ કરીને આચારસંહિતાનો ભંગ કરાયો છે.