• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

પત્રકાર સૌમ્યા હત્યા કેસમાં ચારને જનમટીપ, એકને ત્રણ વર્ષની જેલ   

દિલ્હીની સાકેત કોર્ટનો 15 વર્ષ બાદ ચુકાદો

નવી દિલ્હી, તા. 25 : બહુચર્ચિત પત્રકાર સૌમ્યા વિશ્વનાથન હત્યા કેસમાં દિલ્હીની અદાલતે 15 વર્ષ બાદ શનિવારે મોતની સજાની અપીલ ફગાવી હતી. સાથોસાથ ચાર દોષીને જનમટીપ અને એક દોષીને ત્રણ વર્ષની જેલની સજા આપી હતી. સાકેત કોર્ટના ન્યાયમૂર્તિ રવીન્દ્રકુમાર પાન્ડેએ ચાર અપરાધીને આજીવન કારાવાસ અને પાંચમા દોષી અજય શેઠીને ત્રણ વર્ષની કેદની સજા સાથે તમામ દોષીને સવા લાખ રૂપિયાનો દંડ કર્યો છે.

અગાઉ 18મી ઓક્ટોબરના કોર્ટે રવી કપૂર, અમિત શુકલા, અજયકુમાર, બલજિત મલિક તેમજ અજય શેઠીને દોષી ઠેરવ્યા હતા. `હેડલાઈન્સ ટુડે'ની 25 વર્ષીય પત્રકાર સૌમ્યા વિશ્વનાથનની 30મી સપ્ટેમ્બર, 2008ની સવારે દિલ્હીના નેલ્સન મંડેલા માર્ગ પર ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. તમામ હત્યાના દોષી 2009ની જેલવાસમાં છે.