• સોમવાર, 04 ડિસેમ્બર, 2023

આજે ભારત ઈતિહાસ રચશે?

કરોડો દેશવાસીઓનું સપનું સાકાર કરવા ટીમ ઈન્ડિયા સજ્જ

અમદાવાદ, તા. 18  (પીટીઆઈ) : શાનદાર ફોર્મમાં મહાલતી ટીમ ઈન્ડિયા ક્રિકેટ ઈતિહાસનું સોનેરી પ્રકરણ આલેખવા આતુર છે. લાગલગાટ દસ વિજય સાથે વર્લ્ડકપના ફાઈનલ જંગમાં પહોંચેલી રોહિતસેના આવતીકાલે અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સવા લાખ દર્શકો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહેમાનોની ઉપસ્થિતિમાં વટભેર ટ્રોફી ઉઠાવે અને 2003 વિશ્વકપના અંતિમ જંગમાં ઓસ્ટ્રેલિયાએ આપેલી હારનો હિસાબ ચૂકતે કરે તેવી આશા કરોડો દેશપ્રેમીઓને છે. ભારતીય ટીમ દરેક મોરચે અફલાતૂન પ્રદર્શન કરી રહી છે ત્યારે બાર વર્ષે ફરી એકવાર વિશ્વકપનું વિજેતાપદ એક કદમ દૂર છે, જો કે, બે હાર બાદ કાંગારુ ટીમ પણ ફોર્મવાપસી કરીને સળંગ આઠ મેચ જીતી ચૂકી છે, ત્યારે કાલનો દિવસ રમતરસિયાઓ માટે સુપર સન્ડે સાબિત થાય તેવી શક્યતા છે. ફાઈનલમાં મોદી ઉપરાંત ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન રિચાર્ડ માર્લ્સની પણ હાજરી હશે, તો ટોચના ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી ઉપરાંત બોલીવૂડના સિતારાઓ પણ ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. મેચ દરમ્યાન કપિલ દેવ અને મહેન્દ્રસિંહ ધોની સહિતના દુનિયાભરના વિશ્વકપ વિજેતાઓ પણ હાજર રહેશે અને પોતાની સફર વર્ણવશે. ફાઈનલને લઈને સ્ટેડિયમ ફરતે સઘન સુરક્ષા વ્યવસ્થાને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે. પીચનો વ્યવહાર કેવો રહેશે તેના પર સૌની નજર છે. 

વિરાટ કોહલી, મોહમ્મદ શમી, રોહિત શર્મા, શ્રેયસ ઐયર, જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજા જેવા ભારતીય ક્રિકેટરો જબરદસ્ત ફોર્મમાં છે અને ટીમ ઈન્ડિયાએ મોટા ભાગની મેચોમાં ધાક જમાવતી જીત મેળવી છે, ત્યારે કાલે ફાઈનલ બાદ ત્રિરંગો શાનથી લહેરાતો જોવા મળે તેવી ઉમ્મીદ અસ્થાને નથી, પણ ઓસિ. સામે પ્રથમ લીગ મેચમાં જે રીતે ભારતના ટોચના ત્રણ બેટધર માત્ર બે રનના સ્કોર પર પેવેલિયન પરત ફર્યા હતા એ યાદ રાખવું પડશે. જે ટીમ દબાણને વધુ સારી રીતે ઝેલશે તે વિજેતા બનશે. એવી અટકળો છે કે પીચ સ્પિનરોને મદદ કરશે તો આર. અશ્વિનને પણ સ્થાન મળશે. 

મેચ દરમ્યાન આદિત્ય ગઢવી, પ્રીતમ જોનીતા ગાંધી, અક્ષ જોશી સહિતના કલાકારોનું પરફોર્મન્સ આકર્ષણ જમાવશે.