• રવિવાર, 19 મે, 2024

બુલઢાણામાં બસ દુર્ઘટના : 25 યાત્રીઓ સળગી જતાં મૃત્યુ

પૂણે, તા 1 : મહારાષ્ટ્રનાં બુલઢાણામાં ગઇકાલે શુક્રવારની મોડી રાત્રે સર્જાયેલી જીવલેણ બસ દુર્ઘટનામાં 25 યાત્રીનાં સળગી જવાથી સ્થળ પર જ મોત થઇ ગયાં હતાં. નાગપુરથી પૂણે તરફ જતી બસ થાંભલા સાથે ટકરાઇને ડિવાઇડર પર ચડયા પછી ઉથલી પડી હતી અને બસમાં આગ લાગી હતી. બસમાં કુલ્લ 33 યાત્રી સવાર હતા, જેમાંથી આઠ યાત્રીએ બારીના કાચ તોડી, બહાર કૂદકો મારીને પોતાના જીવ બચાવ્યા હતા. 

આ ગોઝારી દુર્ઘટના મોડી રાત્રે દોઢ વાગ્યાના અરસામાં બુલઢાણા જિલ્લાના સિંદખેડા રાજા પાસે પીપલી ખુંટા ગામ નજીક બની હતી. પોલીસે બસના ડ્રાઇવર અને કંડકટરની ધરપકડ કરી બનાવની તપાસ આદરી હતી.

કેન્દ્ર અને રાજ્ય સરકારે આર્થિક રાહત જાહેર કરી વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, રાજ્યપાલ રમેશ બૈસ અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારજનોને રૂા. બે લાખ અને ઘાયલો માટે રૂા. 50,000ની મદદ આપવાની જાહેરાત કરી છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મૃતકોના પરિવારો માટે રૂા. પાંચ લાખ આપવાની જાહેરાત કરી છે. ઘાયલોની સારવારનો તમામ ખર્ચ સરકાર વહન કરશે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ઘટનાસ્થળની મુલાકાત લીધી છે.