• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

17મી લોકસભામાં પેઢીઓથી રાહ જોવાતી હતી એ કાર્યો થયાં : મોદી  

370મી કલમ અને ટ્રિપલ તલાકનો અંત; નારીશક્તિ કાયદો

નવી દિલ્હી તા.10 : સંસદના બજેટ સત્રના છેલ્લા દિવસે લોકસભામાં વડાપ્રધાન મોદીએ પોતાની સરકારના છેલ્લા પાંચ વર્ષના કાર્યકાળમાં ત્રણ તલાક, આર્ટિકલ 370, નારી શક્તિ કાયદો સહિત એવા કામો ગણાવ્યા જેની પેઢીઓથી રાહ જોવાઈ રહી હતી. તેમણે કહ્યંy કે દેશમાં રિફોર્મ, પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મ ખુબ ઓછા થાય છે. પરંતુ 17મી લોકસભાથી આજે દેશ અનુભવ કરી રહ્યો છે. મને વિશ્વાસ છે કે દેશ 17મી લોકસભાને જરુર આશીર્વાદ આપતો રહેશે. આજે રામ મંદિર અંગે ગૃહે જે પ્રસ્તાવ પસાર કર્યો છે તે દેશની ભાવિ પેઢીને દેશના મૂલ્યો પર ગર્વ કરવાની બંધારણીય શક્તિ આપશે.

દેશના વિકાસ, ભવિષ્ય અને લેવાયેલા ઐતિહાસિક નિર્ણયો વિશે વાત કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યં કે સમાપ્તિ તરફ જઈ રહેલી 17મી લોકસભાએ નવા નવા બેંચમાર્ક બનાવ્યા છે. આઝાદીના 75 વર્ષ પુરા થવાના ઉત્સવ પર ગૃહે અત્યંત મહત્વના કામોનું નેતૃત્વ કર્યુ છે. કાર્યકાળમાં ઘણાં રિફોર્મ થયા અને ગેમચેંજ રહ્યા છે. 21મી સદીનો મજબૂત પાયો તેમાં દેખાય છે. એવા ઘણાં કામ 17મી લોકસભાના માધ્યમથી પુરા થયા જેની પેઢીઓથી રાહ જોવાતી હતી. સંયુક્ત પ્રયાસને કારણે 17મી લોકસભાની ઉત્પાદકતા 97 ટકા જેટલી રહી. એક સંકલ્પ સાથે 18મી લોકસભાની શરુઆત થશે. અનેક પેઢીઓએ એક બંધારણનું સ્વપ્ન જોયું હતું. પરંતુ ગૃહે આર્ટિકલ 370 હટાવીને બંધારણના પૂર્ણ રુપને, તેના પૂર્ણ પ્રકાશ સાથે તેનું પ્રગતિકરણ થયું. આગામી રપ વર્ષમાં વિકસિત ભારતનું લક્ષ્ય છે. દેશમાં ચૂંટણી હવે બહુ દૂર નથી. આપણી ચૂંટણી દેશની શાન વધારે છે.

તેમણે સંકટના સમયે પોતાના ભથ્થાનો ત્યાગ કરનારા સાંસદોને વખાણતાં કહ્યં કે કોરોના કાળમાં દેશના લોકોને સંદેશો આપતાં સાંસદોએ પોતાના વેતનમાં 30 ટકાના કાપનો નિર્ણય કર્યો. એમપી કેન્ટિનમાં દરેકે બહારના બરાબર ચૂકવણી કરવા નક્કી કર્યુ. આજે દેશને નવું સંસદ ભવન મળ્યું છે. કાળખંડમાં જી-20ની અધ્યક્ષતા ભારતને મળી. ભારતને ખુબ મોટું સમ્માન મળ્યું. ડિજિટલાઈઝેશન પર બોલતાં કહ્યં કે આધુનિક ટેકનીકથી હવે સૌ કોઈ ટેવાયેલા છે. તે એક કાયમી વ્યવસ્થા બની છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદથી મુકિતનું સ્વપ્ન પૂર્ણ થયું છે. નારી શક્તિ વંદન બિલ કાયદો બન્યો છે. આપણે 75 વર્ષ અંગ્રેજોએ આપેલી દંડ સંહિતામાં જીવતા રહ્યા પરંતુ આપણે નવી પેઢીને ગર્વથી કહીશું કે આવનારી પેઢી ન્યાય સંહિતમાં જીવશે.