• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

તાતા બાદ હવે મહિન્દ્રા પણ બનાવશે વિમાન  

બ્રાઝિલની કંપની સાથે કરાર : વાયુસેનાને મધ્યમ અંતરનાં પરિવહન વિમાન પૂરાં પાડશે

નવી દિલ્હી, તા.10 : તાતા બાદ હવે ટોચની વાહનનિર્માતા કંપની મહિન્દ્રા સમૂહ પણ વિમાન બનાવશે. બ્રાઝિલની ઉડ્ડયન કંપની એમ્બ્રેર અને મહિન્દ્રા ગ્રૂપે ભારતીય વાયુસેના માટે મધ્યમ-અંતરના પરિવહન વિમાન (એમટીએ) બનાવવા માટે ભાગીદારીની જાહેરાત કરી હતી. બંને કંપની સાથે મળીને સી-390 મિલેનિયમ વિમાન બનાવશે. 

વાયુસેના માટે મધ્યમ પરિવહન વિમાનની ખરીદીની પરિયોજના માટે બંને કંપનીઓ વચ્ચે ભાગીદારી અંગેના એમઓયુ પર બ્રાઝિલના દૂતાવાસ ખાતે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. વિમાન ભારતીય વાયુસેનાના જૂના પરિવહન વિમાન એએન-32 બેડાંનું સ્થાન લેશે. વાયુસેના 40થી 80 મધ્યમ રેન્જના ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખરીદવાની તૈયારી કરી રહી છે. 

સી-390 વિમાન હવાથી હવામાં ઈંધણ ભરવાની ક્ષમતા ધરાવે છે. તે નીચા પરિચાલન ખર્ચની સાથે વધુ ઉત્પાદકતા પ્રદાન કરે છે. અત્યાર સુધી વિમાનને બ્રાઝિલ, પોર્ટુગલ, હંગેરી, નેધરલેન્ડ, ઓસ્ટ્રિયા, ચેક રિપબ્લિક અને દક્ષિણ કોરિયા દ્વારા ઉપયોગ માટે પસંદ કરવામાં આવ્યું છે. એમ્બ્રેર કંપની પહેલાં ડીઆરડીઓ, બીએસએફ અને ભારત સરકારને અનેક અલગ-અલગ પ્રકારનાં વિમાન આપી ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં તાતા સમૂહે વિમાન બનાવતી કંપની એરબસ સાથેએચ125 સિંગલ એન્જિન હેલિકોપ્ટર બનાવવાની સમજૂતી કરી હતી.