• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

જયપુરમાં યોજાશે મોદી-મેક્રોંનો રોડ-શૉ  

પ્રજાસત્તાક પર્વના મુખ્ય અતિથિ ફ્રાન્સના પ્રમુખ

નવી દિલ્હી, તા.20: વખતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ફ્રાન્સનાં પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોં મુખ્ય અતિથિ રહેવાનાં છે. મળતી વિગતો અનુસાર તેઓ પચીસમીએ સીધા જયપુરમાં ઉતરણ કરશે અને ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમનો રોડ-શો પણ યોજાશે. દિલ્હીમાં મેક્રોં સાથે મોદીની દ્વિપક્ષી મંત્રણા પણ યોજાશે અને આમાં 26 રાફેલ યુદ્ધ વિમાન અને ત્રણ સ્કોર્પિયન સબમરિનની ખરીદીની પ્રક્રિયામાં થયેલી પ્રગતિની સમીક્ષા પણ કરવામાં આવશે.

છેલ્લા અમુક વર્ષોમાં ફ્રાન્સ સંરક્ષણ ક્ષેત્રે ભારતનાં નજીકનાં ભાગીદાર તરીકે ઉપસી આવ્યું છે. મેક્રોંની ભારત યાત્રા દરમિયાન બન્ને દેશ વચ્ચેનાં સંબંધો વધુ ગાઢ બનવાની આશા છે.

મોદી અને મેક્રોંની મુલાકાત દરમિયાન બન્ને દેશની સેનાઓ વચ્ચે લોજિસ્ટિક માટે પણ નવા કરારો થવાની સંભાવના છે. તેમનાં પ્રવાસમાં કુલ મળીને ત્રણ સમજૂતીઓ થઈ શકે છે. ઉપરાંત જૈંતાપુર પરમાણુ ઊર્જા પ્રોજેક્ટ માટે ફ્રાન્સથી રિએક્ટરની આપૂર્તિનાં મુદ્દે પણ બન્ને દેશનાં વડાઓ વચ્ચે ચર્ચા થઈ શકે છે.