• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

બંગાળમાં ઈન્ડિયા ગઠબંધન અધ્ધરતાલ  

દીદીની એકલા હાથે ચૂંટણી લડવાની તૈયારી

નવી દિલ્હી,તા.20: પશ્ચિમ બંગાળમાં બેઠક વહેચણી મુદ્દે વિપક્ષનાં ઈન્ડિયા ગઠબંધનમાં ઘમસાણ મચી ગયું છે. સ્થિતિમાં તૃણમૂલ કોંગ્રેસનાં વડા અને મુખ્યમંત્રી મમતા બેનરજીએ સાફ શબ્દોમાં કહી પણ દીધું છે કે, જો રાજ્યની બેઠક વહેચણીમાં ઉચિત મહત્ત્વ નહીં મળે તો તૃણમૂલ કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં એકલા તમામ બેઠકો ઉપર ચૂંટણી લડશે.

તૃણમૂલ કોંગ્રેસ તરફથી કોંગ્રેસને રાજ્યમાં બેહરામપુર(મુર્શિદાબાદ) અને માલદા દક્ષિણની એમ બે બેઠકો આપવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. બન્ને બેઠકો કોંગ્રેસે 2019માં જીતી હતી. જો કે સામે પક્ષે કોંગ્રેસ તરફથી કોઈ અભિગમ સ્પષ્ટ કરવામાં આવ્યો નથી. જો કે કોંગ્રેસનાં નેતાઓ તરફથી એવો સંકેત ચોક્કસ મળ્યો છે કે, પક્ષ વધુ બેઠકો ઈચ્છે છે. જો કે આની સામે મમતા મચક આપે તેવું લાગતું નથી. તેમણે પોતાનો આકરો મિજાજ બતાવતા કહી દીધું છે કે, તેઓ એકલા ચાલોની નીતિ અપનાવવા માટે પણ તૈયાર છે.

તૃણમૂલ કોંગ્રેસનાં એક વરિષ્ઠ નેતાએ નામ જાહેર નહીં કરવાની શરતે કહેલું કે, અમારા પક્ષનાં નેતા મમતા બેનરજીએ સ્પષ્ટ કહેલું છે કે, ઈન્ડિયા ગઠબંધનમાં તૃણમૂલ સૌથી મહત્ત્વનાં ભાગીદાર પક્ષ પૈકી છે. પરંતુ બંગાળમાં અમને બહાર કરીને આરએસપી, ભાકપા, માકપાને વધુ મહત્વ આપવામાં આવે તો તૃણમૂલ પોતાનો રસ્તો જાતે બનાવશે. અમારે તમામ 42 બેઠકો લડવા માટેની તૈયારી પણ કરવી જોઈએ તેવું મમતાએ કહ્યું છે.