• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

શરદ પવારે જ અજિત પવારને સરકારમાં મોકલ્યા હોવાની માન્યતા તૂટી રહી છે

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 2 : રાષ્ટ્રવાદીમાં ભંગાણ એ શરદ પવાર (કાકા) અને અજિત પવાર (દાદા) વચ્ચેનો `મૅચ ફિક્સિંગ' જેવો બનાવ છે એવું માનનારો ઘણો મોટો વર્ગ છે. પરંતુ રાષ્ટ્રવાદી (અજિત પવાર)ના વડા અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગઈકાલે કેટલાક `રાજકીય ફટાકડા' ફોડયા પછી હવે `કાકા અને દાદા' એક જ છે એવી માન્યતા તૂટી રહી છે.

અજિત પવારે ગઈકાલે કહ્યું હતું કે શરદ પવારે ગત બીજી મેએ `લોક માઝે સાંગાતી' પુસ્તકના લોકાર્પણ પછી રાજીનામું આપવાની જાહેરાત કરી પછી પક્ષના નેતાઓ જિતેન્દ્ર આવ્હાડ અને આનંદ પરાંજપેને બોલાવીને સૂચના આપી હતી કે મારું રાજીનામું પાછું ખેંચાય એવી માગણી સાથે કાર્યકરોનો દેખાવો યોજવાની વ્યવસ્થા કરો ત્યાર પછી પરાંજપે મારી પાસે આવ્યા ત્યારે મેં તેમને કહ્યું આ બાબતને બહુ ગંભીરતાથી લેવાની જરૂર નથી. અજિત પવારના ગઈકાલના ભાષણ ઉપરથી જણાય છે કે શરદ પવારનું રાજીનામું, ત્યાર પછી આંદોલન અને પુણેમાં ચોરડિયાના ઘરે મુલાકાત `પૂર્વનિયોજિત' હતી. વધુમાં રાષ્ટ્રવાદીમાં ભંગાણ એ પણ `પૂર્વનિયોજિત' હતું એવું અજિત પવાર સૂચવવા માગતા હતા.

શરદ પવાર તમે મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થાવ, અને હું રાજીનામું આપું છું એવું કહ્યું હતું. એવું અજિત પવાર સૂચવવા માગે છે. જોકે અજિત પવારે ગઈકાલે કરેલાં વિધાનો ઉપરથી જણાય છે કે કાકા-દાદા વચ્ચે મતભેદો હતા. તેઓ `પડદા પાછળ એક' છે એવી માન્યતા તૂટી રહી છે.