• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

યુદ્ધજહાજ પર `કૅપ્ટન' તરીકે  પ્રથમવાર મહિલા અધિકારી 

આઈએનએસ `િત્રંકટ'નું કરશે નેતૃત્વ

મુંબઈ, તા. 2 : નૌકાદળની આઈએનએસ ત્રિંકટ નામના ફાસ્ટ એટેક ક્રાફ્ટ-યુદ્ધજહાજ પર મહિલા અધિકારીની કમાન્ડિંગ અૉફિસર `કૅપ્ટન' તરીકે નિમણૂંક કરવામાં આવશે. તેમના નેતૃત્ત્વમાં યુદ્ધજહાજ પર 35 નૌસૈનિકો કામ કરશે. 

નૌકાદળમાં અધિકારી તરીકે (ડૉક્ટર તરીકે તો એથી પણ પહેલાં) વર્ષ 1990થી મહિલાઓની નિમણૂંક કરવામાં આવે છે. શરૂઆતમાં આ મહિલાઓ ફક્ત કાર્યાલયના કામ માટે કાર્યરત હતી. બાદમાં તેમને ટૅક્નિકલ અને એન્જિનિયરિંગ વિભાગમાં સમાવી લેવામાં આવી. 2001 પછી ટ્રાન્સપોર્ટ વિમાનના પાઈલટ તરીકે તેમની પસંદગી કરવાની શરૂઆત થઈ. મહિલા અધિકારી હેલિકૉપ્ટર પાઈલટ તરીકે યુદ્ધજહાજ પર તહેનાત અને ડિસ્ટ્રોયર શ્રેણીના અત્યાધુનિક યુદ્ધજહાજ પર પણ ફરજ બજાવે છે. પરંતુ આ મહિલા અધિકારીઓને યુદ્ધજહાજનું નેતૃત્ત્વ કરવાની તક આજ સુધી મળી નહોતી જે હવે મળી હોવાની માહિતી નૌકાદળના પ્રમુખ ઍડમિરલ આર. હરીકુમારે શુક્રવારે નવી દિલ્હીમાં આપી. તેમણે કહ્યું કે નૌકાદળ મહિલાઓને એકસમાન તક આપવાની દિશામાં ઝડપભેર પગલાં ભરી રહ્યું છે. યુદ્ધજહાજની કમાન સોંપવી એ પણ એનો જ એક ભાગ છે. `તમામ પદ માટે તમામ કામ' એ દૃષ્ટિકોણથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. અધિકારીઓ ઉપરાંત સૈનિક શ્રેણીમાં પણ મહિલાઓની ભરતી કરવામાં નૌકાદળે આગળ પડતી ભૂમિકા ભજવી છે. વર્તમાનમાં નૌકાદળમાં 40 મહિલા અધિકારી યુદ્ધજહાજ પર ફરજ બજાવે છે. નૌકાદળમાં લગભગ 1000 મહિલા અગ્નિવીરોનો સમાવેશ છે.

આઈએનએસ ત્રિંકટનું વજન 260 ટન, લંબાઈ 46 મીટર, મહત્તમ ગતિ કલાકે 56 કિ.મી. જેટલી છે. આ યુદ્ધજહાજ ચાર કિ.મી. સુધી પ્રહાર કરી શકે એવી 30 મિમી તોપ ધરાવે છે. આઈએનએસ ત્રિંકટ યુદ્ધજહાજ પર કમાન્ડિંગ અધિકારી તરીકે નિયુક્ત થયેલી આ મહિલા અધિકારી લેફ્ટનન્ટ કમાન્ડર (સૈન્યના મેજર સમકક્ષ) દરજ્જાની છે અને પશ્ચિમ નૌકાદળમાં કાર્યરત છે.  હવે કમાન્ડિંગ અધિકારી થવાના પ્રશિક્ષણ બાદ તેમને કાર્યભાર સોંપવામાં આવશે, એવું નૌકાદળના પ્રમુખ કહ્યું છે.