• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

485 જેટલા રિક્ષા અને ટૅક્સીચાલકોના લાઈસન્સ સસ્પેન્ડ

વડાલા આરટીઓની કાર્યવાહી 

મુંબઈ, તા. 2 : વધારે ભાડું લેવું, અમુક સ્થળોએ આવવાના ના પાડવી તેમજ મુસાફરો સાથે ખરાબ વર્તન જેવા કારણોસર વડાલા રિજનલ ટ્રાન્સપોર્ટ અૉફિસ (આરટીઓ) દ્વારા 485 જેટલા રિક્ષા અને ટેક્સી ડ્રાઇવરોના લાયસન્સને સસ્પેન્ડ કર્યા હતા. રિક્ષા અને ટેક્સીચાલકો સામે વધતી જતી ફરિયાદોને ધ્યાનમાં લઈ વડાલા આરટીઓ દ્વારા મુસાફરો માટે એક વૉટ્સઍપ અને ઇમેલ આઇડી જાહેર કર્યો હતો. જેના પર તેઓ ફરિયાદ કરી શકતા હતા. 

જૂલાઈ 2023થી નવેમ્બર 2023 સુધી 1317 ફરિયાદો મળી હતી. જે પૈકી 549 ફરિયાદો વડાલા આરટીઓની હદમાં આવતી હતી. જેમાં 456 ફરિયાદો રિક્ષાચાલકોની તો 93 ફરિયાદો ટેક્સીચાલકો સામેની હતી. યોગ્ય કારણ વગર ભાડું નકારી દેનાર 379 લાયસન્સ 15 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મુસાફરો સામે ખરાબ વર્તન બદલ 96 લાયસન્સને 10 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. વડાલા આરટીઓના અધિકારીએ જણાવ્યું હતું કે મુસાફરો સાથે સારી રીતે વર્તન કરે એ માટે અમે રિક્ષાચાલકોને સલાહ પણ આપીએ છીએ. પરંતુ કેટલીક વખત શિસ્ત માટે આવા પગલા લેવા જરૂરી છે.