• બુધવાર, 24 એપ્રિલ, 2024

થાણેનાં તળાવોમાં અસુરક્ષિત બૉટિંગ પર ટીએમસીની નજર  

થાણે, તા. 27: થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (ટીએમસી)એ જ્યાં બોટિંગ (નૌકાવિહાર) કરવામાં આવે છે એવાં ચાર તળાવો પર પોતાનો જાપ્તો વધાર્યો છે અને સંચાલકોને એવી ચેતવણી આપી છે કે જો સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવી હોય તો કડક કાર્યવાહી કરવામાં આવશે. થાણેની મધ્યમાં આવેલો મસુન્દા તળાવ મનોરંજન પ્રવૃત્તિઓ માટેનું મુખ્ય આકર્ષણ છે અને રજાના દિવસોમાં ઘણા સહેલાણીઓ બોટિંગ કરવા આવતા હોય છે અને હાલ શાળાઓમાં વૅકેશન હોવાથી સાંજના સમયમાં બોટિંગ કરવા માટે ભીડ જામે છે. 

શનિ-રવિની રજામાં પોતાનાં બાળકોને તળાવપાળી તળાવ ખાતે લઈ જતી 31 વર્ષની સુવિધા કોકારેએ જણાવ્યું હતું કે, `થાણેમાં તળાવોની બાબતમાં ઘણા વિકલ્પો છે. આ તળાવોની સારી રીતે જાળવણી કરવામાં આવે છે અને નૌકાવિહારની પણ સુવિધા છે. અગાઉ હું સમુન્દા તળાવ ખાતે જતી હતી, પરંતુ હવે ત્યાં મને સુરક્ષિત નથી લાગતું, કારણ કે ત્યાં મારાં બાળકોને જૅકેટ અપાતા હતા, પરંતુ મને આપતા ન હતા. આવાં તળાવો પર સખત જાપ્તો હોવો જોઈએ, જેથી કૉન્ટ્રાક્ટરો સુરક્ષાના નિયમોનું પાલન કરે. બોટિંગ વખતે સુરક્ષાનાં જરૂરી સાધનો આપવા જોઈએ જેથી કોઈ અકસ્માત ન થાય. અમને સુરક્ષાનાં સાધનો ઉપલબ્ધ હોવા છતાં ફરિયાદો મળતી હોય છે. ઘણીવાર કૉન્ટ્રાક્ટરો પાસે આવાં સાધનો હોય છે, પરંતુ તેનો વપરાશ કરાતો નથી', એમ ટીએમસીના અધિકારીએ જણાવ્યું હતું.

મ્યુનિસિપલ કમિશનર અભિજિત બાંગર આની નોંધ લઈને એવી ચેતવણી આપી હતી કે, સંબંધિત કૉન્ટ્રેક્ટરો જો સેફ્ટી જૅકેટ નહીં આપે તો તેમની સામે પગલાં ભરવામાં આવશે.