• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

મુંબઈમાં બે દિવસ વાદળછાયું વાતાવરણ  

મુંબઈ, તા. 10 : મુંબઈના આકાશમાં ફરી એકવાર વાદળ ઘેરાવાના છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 11મી અને 12મી ફેબ્રુઆરીએ બપોરથી મુંબઈના આકાશમાં વાદળો ઘેરાશે. જોકે વરસાદ પડવાની શક્યતા નહિવત્ છે. તેમ છતાં રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ અંગે યેલો ઍલર્ટ જાહેર કરાયું છે. મુંબઈમાં શિયાળો સમાપ્ત થવાનો છે. હવામાન નિષ્ણાતોએ વખતે ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયાથી ઉષ્ણતામાન વધવાના સંકેત આપ્યા છે. 

ક્ષેત્રીય મોસમ વિભાગના નિર્દેશક સુનીલ કાંબળેએ જણાવ્યું કે દેશના પૂર્વ અને ઉત્તરી ભાગમાંથી આવનારા પવનો મળવાથી આવું વાતાવરણ રચાય છે. મધ્ય મહારાષ્ટ્રમાં પણ આવું વાતાવરણ જોવા મળી શકે છે. અમરાવતી, અકોલા, બુલઢાણા, ચંદ્રપુર સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદ માટે યેલો ઍલર્ટ જાહેર કરાયું છે. મુંબઈમાં યેલો ઍલર્ટ જાહેર કરાયું નથી. હવામાન વિભાગના અંદાજ મુજબ મુંબઈનું મહત્તમ ઉષ્ણતામાન 30 અંશ સેલ્સિયસથી વધુ અને લઘુતમ ઉષ્ણતામાન 18થી 21 ડિગ્રી સેલ્સિયસ દરમિયાન રહેશે.