• રવિવાર, 29 જાન્યુઆરી, 2023
તુનિષા આત્મહત્યા કેસ : શિઝાન ખાનને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી
|

મુંબઈ, તા. 31 : અભિનેત્રી તુનિષા શર્માની આત્મહત્યા કેસની તપાસ કરી રહેલી મહારાષ્ટ્ર પોલીસે તેના પૂર્વ પ્રેમી શિઝાનને કસ્ટડી પૂર્ણ થતાં વસઈ અદાલતમાં હાજર કર્યો હતો. પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે ઘણી પૂછપરછ બાદ પણ શિઝાન ઇમેઈલનો પાસવર્ડ જણાવી શકયો નથી. આ ઉપરાંત આરોપીએ તુનિષાને હિજાબ પહેરવા અને ઉર્દૂ શીખવી હતી તે બાબતે મૂકાયેલા આરોપો અંગે પૂછપરછ બાકી છે. પોલીસે અદાલત પાસે વધુ રિમાંડ માગી હતી. જોકે, અદાલતે પોલીસની દલીલોને ફગાવી દેતા આરોપી શિઝાનને 14 દિવસની ન્યાયિક હિરાસતમાં જેલ મોકલી દીધો હતો.

રિમાંડ પૂર્ણ થયા બાદ પોલીસે શનિવારે શિઝાનને વસઈ કોર્ટમાં હાજર કર્યો હતો. પોલીસે અદાલતમાં જણાવ્યું હતું કે આરોપી પૂછપરછમાં સહકાર આપતો નથી. અમને તેનું ગૂગલ અકાઉન્ટ ચેક કરવું છે, પણ તે ઇમેઈલનો પાસવર્ડ નથી આપી રહ્યો. આરોપીએ તુનિષાની મારઝૂડ કરી હતી, તેને હિજાબ પહેરવાનું શીખવ્યું હતું અને ઉર્દૂ ભાષા પણ શીખવી રહ્યો હતો એવા આરોપો અને અન્ય પૂછપરછ બાકી છે.

આરોપીના વકીલે જણાવ્યું હતું કે શિઝાનનો મોબાઈલ પોલીસ પાસે છે. એવામાં તેને વધુ પોલીસ કસ્ટડીની જરૂર જણાતી નથી. બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ અદાલતે આરોપીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી ફટકારી જેલમાં મોકલી દીધો હતો.

અભિનેત્રી તુનિષા શર્મા (21)એ ગત શનિવારે ટીવી શો અલી બાબા દાસ્તાન એ કાબુલના સેટ ઉપરના મેકઅપ રૂમમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે પોલીસે અભિનેતા અને તેના પૂર્વ પ્રેમી શિઝાન ખાનની આત્મહત્યા માટે પ્રેરિત કરવાના આરોપમાં ધરપકડ કરી હતી.

પાલઘરના વાલીવ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ અધિકારી અનુસાર શિઝાને તુનિષા સાથે બ્રેકઅપ કરી નાખ્યું હતું, પરંતુ બંને વચ્ચે વાતચીત થતી હતી. તુનિષાની માતાએ 26મી ડિસેમ્બરે સોમવારે આરોપ મૂકયો હતો કે શિઝાન ખાને તેમની પુત્રી સાથે છળ કર્યું છે અને ત્રણથી ચાર મહિના તેનો ઉપયોગ કર્યો છે.