• રવિવાર, 29 જાન્યુઆરી, 2023
પ્રમુખસ્વામી નગરમાં યોજાઇ પરિષદ : સંસ્કૃત યુનિ.ના કુલપતિઓ એક મંચ પર
|

અક્ષર પુરુષોત્તમ દર્શનનું પ્રદાન વિશિષ્ટ

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 31 : ભારતીય વેદાંત દર્શનનમાં ઐતિહાસિક અને વિરાટ પ્રદાન કરનાર પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં આજે અક્ષર પુરૂષોત્તમ દર્શનનું વૈદિક પરંપરામાં પ્રદાન વિષયક વિશિષ્ટ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું . આ કોન્ફરન્સમાં ભારતની તમામ મુખ્ય સંસ્કૃત યુનિવર્સીટીના વાઈસ ચાન્સલર એક મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. જેઓનું સન્માન મહા મહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીએ કર્યું હતું.

બીએપીએસ સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, દિલ્લી, સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી,

દિલ્લી, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ અને આર્ષ સંશોધન કેન્દ્ર, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ કોન્ફરન્સમાં અક્ષર-પુરૂષોત્તમ દર્શનને વ્યાપક રીતે ઊંડાણથી સમજવાનો અને આ દર્શનના દાર્શનિક, સામાજિક, સાંસ્કૃતિક, ઐતિહાસિક અને સાહિત્યિક પાસાંઓની છણાવટ કરવામાં આવી હતી. વિદ્વાનો દ્વારા અક્ષર પુરૂષોત્તમ દર્શનના વિશિષ્ટ સિદ્ધાંતો, અન્ય દર્શનો સાથે તેની તુલના અને ધાર્મિક વિધિ વિધાનો, પરંપરા, ઉપદેશ અને મૂલ્યો દ્વારા આ દર્શન કેવી રીતે વ્યવહારમાં પ્રસ્થાપિત છે તેના પર રિસર્ચ પેપર રજૂ કરવામાં આવ્યા હતા.

મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીએ ઉપસ્થિત 20થી વધુ સંસ્કૃત યુનિવર્સિટીઓના પ્રિન્સિપાલ, 90 જેટલા પ્રોફેસરો અને વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું.

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ઉપ-કુલપતિ ડૉ. લલિત પટેલે જણાવ્યું હતું કે, ભદ્રેશદાસ સ્વામી દ્વારા રચવામાં આવેલા અક્ષરપુરુષોત્તમ દર્શન વિશ્વભરમાં ઉત્તમોત્તમ વિદ્વાનોની નજરમાંથી પસાર થઈ સ્વીકૃતિ પામી ચૂક્યું છે.

પૂર્વ આઇએએસ અધિકારી અને સંસ્કૃતના પ્રખર વિદ્વાન ભાગ્યેશ ઝાએ જણાવ્યું હતું કે, સંસ્કૃત ભાષાને પુનર્જીવન આપનાર પ્રમુખસ્વામી મહારાજને અંજલિ આપવા માટે આ શતાબ્દી ઉત્સવ સર્વથા ઉચિત છે.