• રવિવાર, 29 જાન્યુઆરી, 2023
ઘાટકોપરની નવનીત પ્રભુ હવેલીમાંથી ઠાકોરજીની મૂર્તિ લઈ જવાઈ અને પાછી મુકાઈ
|

મહારાજશ્રીની ટ્રસ્ટ સંચાલિત હવેલીમાં મનમાની અને સત્તાનો દુરુપયોગ 

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 7 : ઘાટકોપર ઇસ્ટના એમ.જી. રોડ સ્થિત ગાંધી માર્કેટ પાસેની નવનીત પ્રભુ હવેલી ફરીવાર સમાચારમાં છે. આ વખતે હવેલીના મહારાજ ઠાકોરજીના સ્વરૂપને (મૂર્તિ) લઈ ગયા અને પાછું મૂકી ગયાની ઘટના બની છે. `જન્મભૂમિ'ને મળેલી હવેલીના સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે ઠાકોરજીના સ્વરૂપ તથા અન્ય વસ્તુઓ હવેલીમાંના તેમના મૂળસ્થાનેથી લઈ જવામાં આવી રહ્યા છે. આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે આ ફૂટેજ ગત 24મી નવેમ્બરની છે અને ઠાકોરજીની મૂર્તિને લઈ જવા પર હાઈ કોર્ટનો સ્ટે હોવા છતાં આવું થયું હતું.

ઘાટકોપરની નવનીત પ્રભુની હવેલીનું સંચાલન ચત્રભુજ જીવનદાસ રિલિજિયસ ઍન્ડ ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આ ટ્રસ્ટના ટ્રસ્ટી જયભાઈ મહેતાના જણાવ્યા અનુસાર, `મહારાજશ્રી હવેલીના સંચાલનમાં બિનજરૂરી દખલ કરે છે, પૈસાની ઉચાપતથી માંડીને ગૌશાળા તથા પ્રસાદઘર, દૂધઘર વગેરેની કામગીરીમાં પણ તેમનો હસ્તક્ષેપ હોય છે. હદ તો એ થઈ કે નવેમ્બરના અંતમાં દર્શન પછી ઠાકોરજીની મૂર્તિ તેના મૂળ સ્થાન પર નહોતી. જોકે, થોડા સમય બાદ મૂર્તિ પાછી જોવા મળી હતી. હવેલીના સીસીટીવીમાંની ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, ઠાકોરજીની મૂર્તિ મૂળ સ્થાનેથી અન્યત્ર લઈ જનારાઓમાં નરેશ સંચોરા, પરમાનંદ જોશી, રવિ શર્મા, અશોક પાઠક અને ભરત ચૌધરી હતા. હવેલીના ભીતરીયા ગોવર્ધન શર્માએ લેખિતમાં આપેલી કબૂલાત મુજબ મહારાજશ્રીના કહેવાથી ઠાકોરજીની મૂર્તિ મૂળસ્થાન પરથી લઈ જવામાં આવી હતી.' આવું કરવા પાછળનો આશય અને મૂર્તિ પરત મૂકી જવાનું કારણ સ્પષ્ટ થયું નથી. પણ, 96 વર્ષ જૂની હવેલીમાં આ ઘટનાથી વૈષ્ણવોમાં અરેરાટી ફેલાઈ હતી. 

જયભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, `મહારાજશ્રીને ઠાકોરજીની મૂર્તિ લઈ જવા પર હાઈ કોર્ટનો સ્ટે હોવા છતાં આ ઘટના બની છે. આ મામલો અત્યારે સુપ્રીમ કોર્ટમાં છે.' ટ્રસ્ટીઓ આ નવ દાયકા જૂની હવેલીનો જીર્ણોદ્ધાર કરવા માગે છે અને આના માટેની પ્રક્રિયા પણ વર્ષો પહેલા શરૂ થઈ હતી. જોકે, આ મહારાજશ્રી તથા તેમની સાથેના લોકોએ આ કામ શરૂ થવા દીધું ન હોવાનું કહેવાય છે.