• રવિવાર, 29 જાન્યુઆરી, 2023
બારામતીમાં વિદ્યાર્થીઓને લઈ જતી બસને અકસ્માત : 27ને ઇજા; ત્રણની હાલત ગંભીર
|

મુંબઈ, તા. 31 : આજે સવારે 3.30 વાગ્યે મહારાષ્ટ્રના બારામતીમાં ફલટણ તરફ જઇ રહેલી ખાનગી બસને અકસ્માત નડયો છે. આ બસ કોચિંગ કલાસીસના વિદ્યાર્થીઓને પિકનિક કરાવીને પરત ફરી રહી હતી. આ અકસ્માતમાં 27 વિદ્યાર્થીઓને ઇજા થઇ છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓની હાલત ગંભીર છે. બસમાં 48 વિદ્યાર્થીઓ, પાંચ શિક્ષક અને કર્મચારીઓ હતા. ડ્રાઇવર સહિત બસમાં બેઠેલા તમામ અન્ય પ્રવાસીઓ સુરક્ષિત છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓ, ડ્રાઇવર, કોચિંગ કલાસના કર્મચારીઓ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.

પોલીસ અનુસાર ઇચલકરંજી વિસ્તારમાંના સાગર કલાસીસના આઠમાથી બારમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ પિકનિક કરીને ઘરે આવી રહ્યા હતા. આ અકસ્માત શિરડીથી ઇચલકરંજી પરત ફરતા પાહુણેવાડી પુલ નજીક થયો હતો. પૂલ ઉપર સામેથી આવતા કારચાલકની ભૂલને કારણે બસ ડ્રાઇવરે બસને સાઇડમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બસ પૂલ નીચે ઊતરી ગઇ હતી. બસ અકસ્માતની સૂચના મળતાં માલેગાંવ પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને ઇજાગ્રસ્તોને બારામતીની હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.

ઔરંગાબાદ, દૌલતાબાદ, વેરુળ, શિરડી, શનિ-શિંગણાપુર થઇને બસ ફલટણ તરફ જઇ રહી હતી. ત્યારે બારામતી રોડ ઉપર પાહુણેવાડી પુલ પાસે અકસ્માત થયો હતો.

યશોદા ટ્રાવેલ્સની બસને સાગર કલાસીસે બુક કરી હતી. વિદ્યાર્થીઓ પિકનિક માણીને ઘરે પરત ફરી રહ્યા હતા. 27 વિદ્યાર્થીઓને ઇજા થઇ છે, જેમાં ત્રણને ગંભીર ઇજાઓ થઇ છે, પરંતુ સારવાર બાદ બે-ત્રણ દિવસમાં તમામને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે, એમ હૉસ્પિટલ અને પોલીસ પ્રશાસને જણાવ્યું હતું.