મુંબઈ, તા. 7 : મુંબઈગરાને વહેલી તકે બે નવી મેટ્રો લાઈનની સુવિધા ઉપલબ્ધ થશે. અંધેરી-(પૂર્વ)થી દહિસર (પૂર્વ) વચ્ચે મેટ્રો-7 અને દહિસરથી ડીએન નગર વચ્ચે મેટ્રો-ટુએ કૉરિડોરનું નિર્માણ કરવામાં આવ્યું છે. કુલ 35 કિ.મી.ના માર્ગમાંથી 20 કિ.મી.ના રૂટ પર એપ્રિલ, 2022થી મેટ્રો દોડી રહી છે. ડિસેમ્બરના છેવટના અઠવાડિયાથી બાકીના રૂટ પર સીઆરએસની તપાસ ચાલી રહી છે. આગામી કેટલાક દિવસોમાં આ તપાસ પૂરી થવાની આશા છે. જાન્યુઆરીમાં જ મેટ્રોના પૂર્ણ રૂટ પર મેટ્રો સેવા શરૂ થવાની આશા છે.
ઇન્ટરચેન્જની સુવિધા
એમએમઆરડીએ દ્વારા એમએમઆર વિસ્તારમાં મેટ્રોની કુલ 13 લાઈનોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. પ્રવાસીઓને સહેલાઈથી એક લાઈનથી બીજી લાઈન સુધી પહોંચાડવા માટે દરેક કૉરિડોરને એક-બીજા સાથે જોડવામાં આવ્યા છે. દરકે કૉરિડોર પર એક અથવા બે સ્ટેશન કૉમન રાખવામાં આવ્યા છે. કૉમન સ્ટેશન પર ઊતરીને પ્રવાસીઓ પોતાનો આગળનો પ્રવાસ ચાલુ રાખી શકશે.
આ મહિનાના અંત સુધીમાં મેટ્રો-7 અને મેટ્રો-2એ કૉરિડોરના સંપૂર્ણ રૂટ પર મેટ્રો દોડવા લાગશે. સંપૂર્ણ રૂટ પર મેટ્રો શરૂ થઈ ગયા બાદ હવે પ્રવાસીઓને ટ્રેન બદલીને મેટ્રોમાં પ્રવાસ કરવો પડશે. અંધેરીથી ડીએન નગર અથવા ડીએન નગરથી અંધેરી સુધી મેટ્રોથી પ્રવાસ કરવા માટે પ્રવાસીઓને ટ્રેન બદલવી પડશે. અત્યાર સુધી ટ્રેન બદલ્યા વગર અંધેરીથી ડીએન નગર સુધીનો પ્રવાસ થતો હતો. મેટ્રોના દરેક કૉરિડોર પર અલગ ઉપકરણ અને દરેક લાઈનની અલગ કમ્યુનિકેશન સિસ્ટમ હોવાથી હવે એ સંભવ નહીં થાય. પરિણામે મેટ્રો-7ના રેક મેટ્રો-ટુએની લાઈન પર અને મેટ્રો-ટુએના રેક મેટ્રો-7ની લાઈન પર નહીં દોડે.
એપ્રિલથી મેટ્રો-7 અને મેટ્રો-ટુએ કૉરિડોરના 20 કિ.મી.ના રૂટ પર મેટ્રો દોડી રહી હતી. બંને કૉરિડોરનું નિર્માણ એકસાથે થયું છે. આથી બંને લાઈનના રૂટ પર લાગેલા ઉપકરણ અને ટ્રેન વચ્ચે તાલમેલ બેસાડવા માટે એક સમાન કમ્યુનિકેશન સિસ્ટમ બેસાડવામાં આવી છે. એને કારણે ટ્રેન પ્લેટફોર્મ પર ચોક્કસ સ્થાને ઊભી રહે છે અને દરવાજા ખૂલે છે. આ કારણે અત્યાર સુધી મેટ્રો-7 અને મેટ્રો-ટુએની ટ્રેનો સરળતાથી એકબીજાના રૂટ પર દોડતી હતી. એમએમઆરડીએના અધિકારીએ જણાવ્યા મુજબ સંપૂર્ણ રૂટ પર સેવા શરૂ થયા બાદ મેટ્રો-7 અને મેટ્રો-ટુએના રેક જુદા કરી દેવામાં આવશે.
કારશેડ પણ બદલાશે
મેટ્રો-7 અને મેટ્રો-ટુએ કૉરિડોરના ડબાની જાળવણીનું કામ વર્તમાનમાં ચારકોપ ડેપોથી થઈ રહ્યું છે. એમએમઆરડીએ દ્વારા મંડાલામાં બીજા કારશેડનું નિર્માણ થઈ રહ્યું છે. આ કારશેડ બન્યા પછી મેટ્રો-ટુએના રેકનું મેન્ટેનેન્સ ચારકોપને બદલે મંડાલામાં થશે. આ કારશેડમાં મેટ્રો ટુ-એ સાથે મેટ્રો-ટુબીના કોચનું પણ મેન્ટેનેન્સ કરવામાં આવશે. મંડાલામાં 54 ટકા કારશેડ બનીને તૈયાર છે. 2024 સુધીમાં એનું નિર્માણકાર્ય પૂરું થવાનું લક્ષ્ય નક્કી કરાયું છે.
બે મેટ્રો સ્ટેશનના નામ બદલવાની માગણી
પશ્ચિમ ઉપનગરના બે મેટ્રો સ્ટેશનના નામ બદલવાની માગણી થઈ રહી છે. મુંબઈ કૉંગ્રેસના મહાસચિવ સૂર્યકાંત મિશ્રાએ એમએમઆરડીએ કમિશનરને પત્ર લખીને આ માગણી કરી છે.
મિશ્રાએ જણાવ્યું હતું કે ગોરેગામ પશ્ચિમમાં મેટ્રો સ્ટેશનનું નામ બદલીને `પહાડી ગોરેગાંવ' કરી દેવામાં આવ્યું છે અને અૉર્બિટ મૉલમાં મલાડ લિંક રોડ સ્થિત મેટ્રો સ્ટેશનનું નામ બદલીને `મલાડ લોઅર' કરી દેવામાં આવ્યું છે.
સ્થાનિક નાગરિકો `પહાડી ગોરેગાંવ'નું નામ બદલીને `બાંગુર નગર' અને `મલાડ લોઅર'નું નામ `કસ્તુરી પાર્ક' કરવાની માગણી કરી રહ્યાં છે.