• બુધવાર, 22 માર્ચ, 2023
જોશીમઠમાં જમીન ધસવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં   
|

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી તરફથી જનહિતની અરજી

નવી દિલ્હી, તા. 7: ઉત્તરાખંડના પ્રાચીન શહેર જોશીમઠ અને આસપાસના વિસ્તારમાં જમીન ધસવાનો બનાવ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આ મામલે જ્યોતિષ્પીઠના જગતગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજે શનિવારે સુપ્રીમ કોર્ટમાં જનહિતની અરજી દાખલ કરી છે. અધિવક્તા પરમેશ્વર નાથ મિશ્રએ અરજીમાં કહ્યું છે કે જમીન ધસવાના બનાવમાં અઢી હજાર વર્ષથી પણ જૂનો પ્રાચીન મઠ ચપેટમાં આવ્યો છે. પૂરો વિસ્તાર દહેશતમાં છે. એટલે સુપ્રીમ કોર્ટ તાકીદે ઉપાય કરવાનો આદેશ જારી કરે. સરકારને પણ ઝડપી કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવે. ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કરસિંહ ધામી આજે ઘટનાસ્થળની મુલાકાતે ગયા હતા અને આખા શહેર પરની આ આફતનું નિરીક્ષણ કરી અસરગ્રસ્તોના હાલચાલ પૂછયા હતા. જે ઘરોમાં જોખમ છે એવા કેટલાક પરિવારોને અન્યત્ર ખસેડાયા હતા.

શંકરાચાર્યના કહેવા પ્રમાણે મઠની દીવાલ અને જમીનમાં તિરાડો પડી છે. વિકાસ યોજનાઓના કારણે ઐતિહાસિક સાંસ્કૃતિક અને પ્રાચીન ધરોહરનાં અસ્તિત્વ ઉપર સંકટ ઉભું થયું છે. અરજીમાં ક્ષેત્રની જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભૂસ્ખલન, ધરતી ફાટવા જેવી ઘટનાઓને રાષ્ટ્રીય આપદાની શ્રેણીમાં સામેલ કરવાની માગણી કરવામાં આવી છે. આ મામલે ત્વરીત પગલાં ભરવાનો આદેશ આપવાની પણ અરજી કરવામાં આવી છે. અરજીમાં કેન્દ્ર સરકાર, એનડીએમએ, ઉત્તરાખંડ સરકાર, એનટીપીસી, બીઆરઓ અને જોશીમઠના જિલ્લા ચમોલીના જિલ્લાધિકારીને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. અરજીમાં પ્રભાવિત લોકોને પુનર્વાસ સાથે આર્થિક મદદ આપવાનો નિર્દેશ કરવા પણ માગણી થઈ છે.

હેડલાઇન્સ