• બુધવાર, 22 માર્ચ, 2023
સિદ્ધિ વિનાયક ટ્રસ્ટના સ્કેમનો રિપોર્ટ એક મહિનામાં સુપરત કરાશે
|

ટ્રસ્ટની કામગીરીમાં ગેરરીતિઓ થઈ હોવાનો આક્ષેપ

મુંબઈ, તા. 31 : મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ ટેમ્પલ ટ્રસ્ટ (એસએસજીટી)ની કામગીરીમાં ગેરરીતિઓ થઈ હોવાના આક્ષેપોની તપાસની જાહેરાત કરી હતી. એમણે ઉમેર્યું હતું કે આ તપાસનો અહેવાલ એક મહિનામાં સુપરત કરવામાં આવશે.

શિંદે જૂથના માહિમ વિસ્તારના વિધાનસભ્ય સદા સરવનકરની રજૂઆતને પગલે ફડણવીસે વિધાનસભામાં આ જાહેરાત કરી હતી. આ તપાસ મહત્ત્વની છે કારણ કે ટ્રસ્ટના વડા આદેશ બાંદેકર છે જેઓ એક અભિનેતા છે. તેઓ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-યુબીટી)ના પ્રેસિડેન્ટ ઉદ્ધવ ઠાકરેના વિશ્વાસુ છે.

સરવનકરએ એવો આક્ષેપ કર્યો હતો કે ટેમ્પલ ટ્રસ્ટએ ઉત્તર પ્રદેશ સ્થિત કંપની પાસેથી માર્ચ 2020માં 15,000-16,000 લિટર ઘીની ખરીદી હતી. કોરોના વખતે લૉકડાઉન દરમિયાન મંદિર જ્યારે બંધ હતું ત્યારે આ ઘી ટ્રસ્ટીઓ દ્વારા વેચી દેવામાં આવ્યું હતું.

એમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે વર્ષ 2021માં મંદિર ખુલ્યા બાદ ક્યુઆર કોડ આધારિત મંદિરની વિઝીટ સિસ્ટમ સ્થાપવા માટે ટ્રસ્ટએ ટ્રસ્ટીઓ સાથે સંકળાયેલી સોફટવેર કંપનીને આપ્યો હતો. સામાન્ય રીતે આવા કામનો ખર્ચ રૂા. 40થી 50 લાખ જેટલો થાય છે. પરંતુ ક્યુઆર કોડ સિસ્ટમ ડેવલપ કરવા માટે રૂા. 3.50 કરોડનો કૉન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો. આ બીજું કાંઈ જ નહીં પરંતુ ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ છે. મંદિરના રિકન્સ્ટ્રક્શન અને રિપેરના કામમાં પણ અનેક ગેરરીતિઓ થઈ છે. તેથી આની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈઅ,ઁ એમ સરવનકરએ આક્ષેપ મૂક્યો હતો.

ફડણવીસે વિધાનસભામાં જણાવ્યું હતું કે આ આક્ષેપો ગંભીર પ્રકારના છે આની તપાસ કરવામાં આવશે અને એક મહિનામાં રિપોર્ટ સુપરત કરવામાં આવશે. ટેમ્પલ ટ્રસ્ટનું રેગ્યુલેશન ચેરિટી કમિશનર દ્વારા થાય છે. સરકાર દ્વારા પ્રત્યક્ષ રીતે નથી થતું. તેથી જ્યારે રિપોર્ટ આવી જશે ત્યાર પછી જે અનિયમિતતાઓ થઈ હશે એ પ્રમાણે પગલાં લેવામાં આવશે.

હેડલાઇન્સ