• બુધવાર, 22 માર્ચ, 2023
સ્વર્ણામૃત મહોત્સવમાં પૂ. લક્ષ્મણસૂરીશ્વરજી મહારાજ વિશેષાંક `પ્રબુદ્ધ જીવન'નું વિમોચન  
|

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 18 : જ્ઞાનમંદિરની સ્થાપનાના 75 વર્ષની પૂર્ણાહૂતિ અને લક્ષ્મણસૂરીશ્વરજી મહારાજની 51મી પુણ્યતિથિ નિમિત્તે 15મી માર્ચથી 19મી માર્ચ સુધી ભવ્યાતિભવ્ય સ્વર્ણામૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે અનેક આચાર્ય ભગવંત તથા વિદ્વાનોના લેખથી સમૃદ્ધ `પ્રબુદ્ધ જીવન' (પૂ. લક્ષ્મણસૂરીશ્વરજી મહારાજ વિશેષાંક)નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ સિવાય બપોરે 51થી વધુ શ્રી લબ્ધિ-લક્ષ્મણ-કીર્તિ પાઠશાળાનો મેળાવડો યોજાયો હતો. રાત્રે સુખદેવ ગઢવી, વિજયદાન ગઢવી દ્વારા ભવ્ય લોકડાયરો યોજાયો હતો. આ કાર્યક્રમ શ્રી આત્મ-કમલ-લબ્ધિસૂરીશ્વરજી જૈન જ્ઞાનમંદિર ટ્રસ્ટ ખાતે યોજવામાં આવ્યો હતો. લક્ષ્મણસૂરીશ્વરજી મહારાજ ચુસ્ત સ્થાનકવાસી પરિવારમાં જન્મ્યા હતા. 16 વર્ષની ઉંમરે તેમણે પૂ. આત્માપામના કૃત `સમ્યકત્વ શલ્પોદ્વાર' નામનો ગ્રંથ વાંચ્યા પછી તેઓ મૂર્તિપૂજા સમર્થક બન્યા હતા. 

આ કાર્યક્રમમાં જ્ઞાનમંદિરની જાગતી જ્યોત જેવા શ્રી શીતલનાથ દાદાના જિનાલયનો રજવાડી શણગાર, લબ્ધિ સમુદાયના તમામ આચાર્યોના જીવન પરિચયની રચનાથી શોભતું `લબ્ધિ નંદનવન', લક્ષ્મણસૂરીશ્વરજી મહારાજની રંગોળી, જ્ઞાનમંદિરનો પ્રવેશદ્વાર, નવરંગી પોસ્ટરો દ્વારા પૂ. લક્ષ્મણસૂરીશ્વરજી મહારાજાની જીવન ઝલક આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. 

રવિવારે સ્વર્ણામૃત મહોત્સવના સમાપન દિવસે પૂ. લક્ષ્મણસૂરીશ્વરજી મહારાજની ભવ્ય ગુણાનુવાદ સભા તથા પૂજ્યશ્રી લિખિત સંપાદિત-સંબંધિત અનેક ભાષામય 15 પુસ્તકોનું વિમોચન કરાશે. આ સિવાય સાંજે મહાપૂજા તથા કુમારપાળ રાજા દ્વારા મહાઆરતી કરવામાં આવશે.

હેડલાઇન્સ