મોદી યુએનમાં ઊજવશે વિશ્વ યોગ દિવસ
નવી દિલ્હી/વોશિંગ્ટન તા.18 : આગામી જૂનમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદી અમેરિકાના પ્રવાસે જાય તેવા અહેવાલ છે. દરમિયાન અમેરિકાના પ્રમુખ જો બાઈડેન ખાસ વડાપ્રધાન મોદી માટે ડિનર હોસ્ટ કરી શકે છે. જો કે બંન્ને દેશ તરફથી હજુ સત્તાવાર કાર્યક્રમ જાહેર કરાયો નથી.
છેલ્લે નવેમ્બર 2022મા જી-20 સમિટ વખતે બાઈડેન અને મોદીની મુલાકાત થઈ હતી. એવી સંભાવના છે કે જૂનમાં વડાપ્રધાન મોદી અમેરિકા જશે અને પ્રમુખ બાઈડેન તેમના સન્માનમાં સ્ટેટ ડિનરનું આયોજન કરશે. મીડિયા રિપોર્ટસ અનુસાર વડાપ્રધાન મોદી યુએન હેડકવાર્ટર ખાતે વિશ્વ યોગ દિવસના કાર્યક્રમમાં સામેલ થશે ત્યાર બાદ શિકાગો ખાતે ભારતીય સમુદાય સાથે એક મોટા કોમ્યુનિટી કાર્યક્રમમાં હાજરી આપશે.
આ મુલાકાત પહેલા વડાપ્રધાન મોદી અને પ્રમુખ બાઈડેન ઓસ્ટ્રેલિયા ખાતે કવાડ દેશોની બેઠકમાં મળશે. સપ્ટેમ્બરમાં ભારતમાં જી-20 બેઠકનું આયોજન છે જેમાં પ્રમુખ બાઈડેન હાજરી આપશે આમ ટૂંકા ગાળામાં મોદી અને બાઈડેન અનેકવાર મળશે.