• બુધવાર, 22 માર્ચ, 2023
છેડાનગર ફલાયઓવર બ્રિજ ગૂડીપડવાએ વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાશે  
|

માનખુર્દ-થાણે પ્રવાસ ઝડપી બનશે 

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 18 : છેડાનગર નજીક 1,235 મીટર લાંબા બ્રિજનું કામ પૂર્ણ થઇ ગયું છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ગૂડીપાડવાએ પૂલનું ઉદ્ઘાટન કરશે, એમ એમએમઆરડીએ પ્રશાસને જણાવ્યું હતું. આ પૂલ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકયા બાદ છેડાનગર જંકશન ખાતે ટ્રાફિકજામની સમસ્યામાંથી છૂટકારો મળશે. માનખુર્દ-થાણે પ્રવાસ વધુ વેગવાન બનશે. 

ઇસ્ટર્ન ફ્રી વે ઉપરની ટ્રાફિકજામની સમસ્યાના ઉકેલરૂપે એમએમઆરડીએએ છેડાનગર સુધાર પ્રકલ્પ હાથમાં લીધો હતો. આ પ્રકલ્પ હેઠળ છેડાનગર ખાતે ત્રણ ફલાયઓવર બ્રિજ અને સબ-વે બાંધવામાં આવશે. જેમાંથી પહેલા ત્રણ લેનનો પૂલ 680 મીટર લાંબો બ્રિજ સાયન અને થાણેને જોડશે. બીજો બે લેનનો 1,235 મીટર લાંબો ફલાયઓવર બ્રિજ માનખુર્દ - થાણેને જોડશે અને ત્રીજો 638 મીટર લાંબો છેડાનગર બ્રિજ સાંતાક્રુઝ - ચેમ્બુર લિંક રોડને જોડશે. આ પ્રકલ્પ માટે રૂા. 249.29 કરોડનો ખર્ચ થશે. 

ઇસ્ટર્ન ફ્રી વે ઉપરથી વાહનો થાણે તરફ જતા છેડાનગર જંકશન વિસ્તારમાં ભારે ટ્રાફિકજામ સર્જાતો હતો. જેમાં લોકોનો 30થી 45 મિનિટનો સમય વેડફાઇ જતો હતો. આ બ્રિજ શરૂ થયા બાદ સમયની બચત થશે.

હેડલાઇન્સ