• બુધવાર, 22 માર્ચ, 2023
વિરારમાં સરકારી જમીન પર બંધાયેલી ચાલો તોડી પડાતાં 250 પરિવારો થયા બેઘર
|

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 18 : વિરાર હાઈવેની લગોલગ નાલેશ્વર નગર ખાતે રેવન્યુ અધિકારીઓ દ્વારા ગેરકાયદે ચાલોને તોડી પાડવામાં આવતા 250 જેટલા પરિવારો ઘરબાર વિનાના થઈ ગયા હતા અને આ સાથે ધોરણ 10 અને 12ની ચાલતી પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓની તૈયારીને પણ અસર થઈ હતી. 

હતાશ થઈ ગયેલા આ રહેવાસીઓએ એવો આરોપ કર્યો હતો કે જ્યારે જમીનના માફિયાઓ સરકારી પ્લૉટને ગેરકાયદે વેચી રહ્યા હતા. ત્યારે સ્થાનિક વહીવટ તંત્રે જરા પણ ધ્યાન આપ્યું ન હતું અને હવે તેમને ઘર ખાલી કરવાની નોટિસ આપ્યા વિના આ કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા પાંચથી 10 વર્ષથી અહીં રહેતા હતા અને તેમની પાસે જમીનના દસ્તાવેજો, વીજળીના બિલ, હાઉસ ટૅક્સ બિલ અને વોટર આઈડી તેમ જ આધારકાર્ડ પણ છે. જોકે, વસઈ-વિરારના તેહસીલદાર ઉજવલા ભગતે એવો દાવો કર્યો હતો કે અસરગ્રસ્ત પરિવારોને ઘર ખાલી કરવાની નોટિસો પાઠવ્યા બાદ જ ઘરોને તોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. હવે તેમના માથા પરથી છાપરું ચાલ્યું ગયું હોવાથી આ લોકોને જંગલી પ્રાણીઓનો અને કમોસમી વરસાદની ચિંતા સતાવી રહી છે.

રમાકાંત ગૌડ (50)એ ઘર માટે હાઉસ લોન લીધી હતી, તે મહિને માત્ર રૂપિયા 12,000 કમાય છે. તેને લોનના હપ્તા ભરવા પડે છે. સંતાનોના ભણતરનો ખર્ચ પણ લાગે છે. હવે હું કામચલાઉ આશ્રયસ્થાનમાં રહું છું, એમ તેમણે જણાવ્યું હતું.

હેડલાઇન્સ