નાગપુર, તા. 18 : નાગપુર શહેરને જી-20 પરિષદ માટે શણગારવા રખાયેલા છોડમાંથી ત્રણથી ચાર છોડ ચમકતી કારમાંથી ઉતરેલા બે ચોરે ચૂપચાપ ચોરી લીધા હતા. એક જવાબદાર વ્યક્તિએ તેનો વીડિયો કાઢી લીધો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આખરે નાગપુર પોલીસ જાગી હતી અને તેણે 17 માર્ચના ગુરુવારે આ ચોરી માટે બે જણને પકડી લીધા હતા. તેમની લકઝરી કારને પણ જપ્ત કરવામાં આવી હતી.
મહારાષ્ટ્રની ઉપરાજધાની નાગપુર ખાતે હાલ જી-20 સંમેલનની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે.
શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા અને તેને શણગારવા છોડ લગાવવામાં આવ્યા છે, પરંતુ ચોરોને આ છોડ ગમી ગયા હતા અને પોતાની અૉફિસમાં લગાવવા તેઓ તેને ચોરી ગયા હતા. પકડાયેલા ચોરોએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો. ચોરીના છોડ લઈ જવા માટે વપરાયેલી કારના રજિસ્ટર નંબર એમએચ 01 બીબી 8298 છે. તેને છત્રપતિ મેટ્રો સ્ટેશન પાસેથી જપ્ત કરી લેવામાં આવી હતી.
કમાલની વાત તો એ છે કે, આ ચોરીની કોઈને ખબર પડી ન હતી અને કૉન્ટ્રેક્ટરને પણ જાણ થઈ નહોતી. જ્યારે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો ત્યારે પોલીસ જાગી હતી. છોડ ચોરનારનો ફોન નંબર ચંદ્રપુરનો હતો અને ચોર મુંબઈનો હતો.