મહારાષ્ટ્રની કુલ સ્થાપિત ક્ષમતા 37,348 મેગાવૉટ
મુંબઈ, તા. 18 : વીજળીની કુલ સ્થાપિત ઉત્પાદન ક્ષમતામાં મહારાષ્ટ્ર સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે.
માર્ચ 2022ના અંતે મહારાષ્ટ્રમાં વીજળીની સ્થાપિત ઉત્પાદન ક્ષમતા 37,348 મેગાવોટની હતી, જે દેશની કુલ ક્ષમતાના 10.90 ટકા હતી. ડિસેમ્બર 2022ના અંતે મહારાષ્ટ્રમાં વીજળીની સ્થાપિત ઉત્પાદન ક્ષમતા વધીને 38,246 મેગાવોટ જેટલી થઈ છે.
પ્રાઈવેટ સેક્ટરનો હિસ્સો સૌથી વધારે
મહારાષ્ટ્રમાં વીજળીની જે કુલ સ્થાપિત ક્ષમતા છે એમાં સૌથી વધુ 60 ટકા હિસ્સો પ્રાઈવેટ સેક્ટરનો છે, જ્યારે પબ્લિક સેક્ટરનો હિસ્સો 35 ટકાનો છે. પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપનો હિસ્સો પાંચ ટકાનો છે.વર્ષ 2021-22માં મહારાષ્ટ્રમાં વીજળીનું કુલ ઉત્પાદન 1,31,682 મિલિયન યુનિટ જેટલું થયું હતું. એપ્રિલથી ડિસેમ્બર 2022 દરમિયાન વીજળીનું ઉત્પાદન 1,01,511 મિલિયન યુનિટ જેટલું થયું હતું.
થર્મલ પાવરની ક્ષમતા સૌથી વધારે
વર્ષ 2021-22માં મહારાષ્ટ્રમાં વીજળી ઉત્પાદનની કુલ સ્થાપિત ક્ષમતા 37,348 મેગાવોટની હતી. એમાં થર્મલ પાવરનો હિસ્સો 20,966 મેગાવોટનો હતો. રિન્યુએબલ પાવરનો હિસ્સો 10,502 મેગાવોટ, હાઈડ્રોનો 3061 મેગાવોટ અને નેચરલ ગૅસનો 2819 મેગાવોટનો હતો.