મુંબઈ, તા. 18 : માર્ચ મહિનામાં અત્યાર સુધીમાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટી માર્કેટમાં લેવાલી રૂા. 16,162.40 કરોડ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ખરીદી રૂા. 9233.05 કરોડની રહી છે.
જોકે ગયા સપ્તાહમાં વિદેશી રોકાણકારોએ રૂા. 7953.66 કરોડની વેચવાલી કરી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી રૂા. 9233.05 કરોડની રહી હતી.
અમેરિકા અને યુરોપમાં બૅન્કિંગ ક્રાઈસીસને કારણે ભારતીય ઈક્વિટી માર્કેટમાં પણ ગયા સપ્તાહમાં વોલેટિલિટી જોવા મળી હતી. સેન્સેક્ષમાં 1145.23 અને નિફટીમાં 312.90નો ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈ સ્મૉલકૅપ ઈન્ડેક્સમાં 2.80 ટકા, મિડકૅપમાં બે ટકા અને લાર્જકૅપ ઈન્ડેક્સમાં 1.60 ટકાનો ઘટાડો થયો હતો. ગયા સપ્તાહમાં 50 કરતાં વધુ સ્મૉલકૅપ શૅર્સમાં 22 ટકા જેટલો ઘટાડો થયો હતો. સ્વાન એનર્જીનો ભાવ 22.60 ટકા, પીસી જ્વેલરનો ભાવ 22.60 ટકા, જીઆરએમ ઓવરસીઝનો 19 ટકા, પીએનબી હાઉસિંગ ફાઈનાન્સનો ભાવ 16.20 ટકા ઘટયો હતો.
ગયા સપ્તાહમાં જૈન ઈરિગેશનનો ભાવ 15 ટકા વધ્યો હતો. મોસ ચિપ ટેક્નૉલૉજીસનો ભાવ 12.30 ટકા, મેડ પ્લસ હેલ્થ સર્વિસીસનો 12 ટકા, ઝેન ટેક્નૉલૉજીસનો ભાવ 11.50 ટકા વધ્યો હતો.