• બુધવાર, 22 માર્ચ, 2023
મહારાષ્ટ્રમાં દુકાળનું સંકટ : અમેરિકન વિજ્ઞાનીઓની ચેતવણી  
|

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 11 : મહારાષ્ટ્રમાં દુકાળનું ફરી સંકટ આવવાના આસાર છે. કમોસમી વરસાદથી ત્રસ્ત મહારાષ્ટ્રના ખેડૂતો હવે દુકાળને કારણે વધુ મુશ્કેલીમાં મુકાશે, એવી આગાહી અમેરિકન વૈજ્ઞાનિકોએ કરી છે. આ બધુ અલ નીનોની અસરને કારણે થઇ રહ્યું છે. અલ નીનોની સીધી અસર ચોમાસા ઉપર પડશે. જેને કારણે મહારાષ્ટ્ર આ વર્ષે દુકાળનો સામનો કરશે, એવો દાવો નેશનલ ઓશનિક ઍન્ડ એટમોસ્ફેરિક ઍડમિનિસ્ટ્રેશન નામની અમેરિકન હવામાન સંસ્થાએ કર્યો છે. આ વર્ષે અત્યાધિક ગરમી અને ભીષણ દુકાળનો સામનો મહારાષ્ટ્ર કરશે. 

જોકે, અમેરિકન વૈજ્ઞાનિકોની આગાહી અને ચેતવણી ઉપર ભારતીય હવામાન વિભાગે પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું છે. અલ નીનોની અસરને પગલે અનેક રાજ્યોમાં હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. 

જૂનથી ડિસેમ્બર સુધી 55થી 60 ટકા અલ નીનોની અસર રહેશે

અમેરિકન હવામાન જાણકારો અનુસાર જૂનથી ડિસેમ્બર વચ્ચે 55થી 60 ટકા સુધી અલ નીનોનો પ્રભાવ ભારતમાં જોવા મળશે. હિન્દ મહાસાગરના તાપમાનમાં પલટો જોવા મળશે અને જેની સીધી અસર ચોમાસા ઉપર પડવાની છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીના ડેટાને આધારે અલ નીનોની અસરને લઇને અમેરિકન મોસમ વૈજ્ઞાનિકોએ અંદાજ વ્યકત કર્યો છે. 

ભારતીય હવામાન વિભાગે એપ્રિલ મહિના સુધી રાહ જોયા બાદ કોઇ નિશ્ચિત અંદાજ વ્યકત કરવાની વાત જણાવી છે. જોકે, આ અગાઉ ભારતીય હવામાન વિભાગે આ વર્ષે ચોમાસું સારું રહેશેની આગાહી કરી હતી. અરબી સમુદ્રમાં ચોમાસામાં તાપમાન વધુ હાવને સકારાત્મક આઇઓડી માનવામાં આવે છે. બંગાળ ઉપસાગરમાં જો વધુ તાપમાન નોંધાય તો તે નકારાત્મક આઇઓડી ગણાય છે. જે વર્ષે સકારાત્મક આઇઓડી હોય તે વર્ષે ચોમાસું સારું રહે છે. ભારતીય હવામાન વિભાગે આગામી ચોમાસામાં સારો વરસાદ થવાનો અંદાજ વ્યકત કર્યો હતો. 

અલ નીનોની અસર દર ત્રણથી સાત વર્ષમાં પડે છે. જેને પગલે ચોમાસા દરમિયાન વરસાદ ઓછો પડે છે અને ચોમાસા બાદ ભીષણ ગરમી પડતી હોય છે. દરમિયાન નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અલ નીનોના પ્રભાવને જોતાં તમામ જિલ્લા સ્તરના અધિકારીઓને સાવચેતીના પગલા લેવા અને પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર થઇ જવા જણાવ્યું છે.

હેડલાઇન્સ