• બુધવાર, 22 માર્ચ, 2023
વિધાન પરિષદમાં અજાણી વ્યક્તિનો પ્રવેશ : તપાસ ચાલી રહી હોવાની સચિવાલયની સ્પષ્ટતા
|

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 11 : મહારાષ્ટ્ર વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યંy છે, ત્યારે શુક્રવારે ગંભીર ઘટના બની હતી. એક અજાણી વ્યક્તિ વિધાન પરિષદમાં ધારાસભ્યની સીટ પર બેઠેલી જોવા મળી હતી. તેના પર શંકા જતા ઉપાધ્યક્ષ નિલમ ગોરહેને ફરિયાદ કરાઇ હતી. તાત્કાલિક સચિવનું કાર્યાલય ઍકશનમાં આવ્યું હતું અને આ મામલે તપાસ શરૂ કરી હતી. આ ઘટના બાદ સચિવાલયમાં ધારાસભ્યોની સુરક્ષા સામે સવાલ ઊભો થયો છે. 

શુક્રવારે બપોરે વિધાન પરિષદનું કામકાજ શરૂ થયું હતું. બપોરે એકથી 1.30 દરમિયાન ભૂરા રંગનું શર્ટ અને લાલ તિલક કરેલી અજાણી વ્યક્તિ ગૃહમાં બેઠેલી જોવા મળી હતી. ધારાસભ્યોને તે વ્યક્તિ પર શંકા ગઇ હતી. કોઇ ઍકશન લેવામાં આવે તે પહેલા જ તે વ્યક્તિ ત્યાંથી ચાલી ગઇ હતી. 

વિધાનભવન વિસ્તારમાં કડક પોલીસ સુરક્ષા વ્યવસ્થા હોય છે, ત્યારે આ વ્યક્તિ કેવી રીતે અંદર આવી એ સવાલ ઊભો થયો છે.

પત્રકારત્વ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓને પણ વિધાનભવન પરિસરમાં પ્રવેશવા માટે પાસ લેવો પડતો હોય છે. ફક્ત પત્રકારત્વ સાથે જોડાયેલા લોકોને જ નહીં, પરંતુ દરેક લોકોને પાસ લેવો પડતો હોય છે. 

વિધાનસભાના સચિવાલય દ્વારા આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે કે તે અજાણી વ્યક્તિ વિધાન પરિષદના સભાખંડમાં નહીં, પરંતુ પ્રેક્ષક ગેલૅરીમાં બેઠી હતી. તેમ છતાં તપાસ ચાલુ છે. આ અજાણી વ્યક્તિની ફરિયાદ કરનાર ધારાસભ્યનું નામ હજી જાણી શકાયું નથી.

હેડલાઇન્સ