• બુધવાર, 22 માર્ચ, 2023
અંબાજીધામમાં ચિક્કીનો જ પ્રસાદ મળશે 
|

વિરોધ છતાં ગુજરાત સરકાર મક્કમ

અંબાજીધામમાં ચિક્કીનો જ પ્રસાદ મળશે 

અમારા પ્રતિનિધિ તરફથી 

અમદાવાદ, તા. 11 : વિશ્વવિખ્યાત અંબાજીધામમાં મોહનથાળ અને ચિક્કીના પ્રસાદ અંગે સરકારના પ્રવક્તા અને આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, અંબાજીમાં હવે ચિક્કીનો પ્રસાદ જ મળશે.  

અંબાજીમાં મોહનથાળની પ્રસાદીનો વિવાદ વધી રહ્યો છે. આજે નવ દિવસ વિતી ગયા હોવા છતાં મોહનથાળના પ્રસાદના મામલાનો અંત આવ્યો નથી. આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા અંબાજી મંદિરમાં બંધ કરાયેલા મોહનથાળ પ્રસાદના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ત્યારે લોકોની આસ્થાને અવગણીને સરકારે આખરે પ્રસાદમાં ચિક્કી આપવાનો જ નિર્ણય કર્યો છે.  

રાજ્ય સરકાર તરફથી ઋષિકેશ પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, અંબાજી એ સમગ્ર વિશ્વ માટે આસ્થાનું પ્રતીક છે. કોવિડ દરમિયાન સવા કરોડ લોકોએ અૉનલાઇન દર્શન કર્યાં હતાં અને પ્રસાદ પણ અૉનલાઇન મંગાવ્યો હતો. અગિયારસ અને પૂનમ વખતે પ્રસાદ તરીકે અપાતો મોહનથાળ લઇ શકાતો નથી તેવી માન્યતા હતી, તેમ છતાંય મોહનથાળનો પ્રસાદ ચાલુ રખાયો હતો. મંદિર દ્વારા ચિક્કી પ્રસાદ આપવાનું નક્કી કરાયું છે. આ ચિક્કીનું આયુષ્ય ત્રણ માસનું છે, જ્યારે મોહનથાળ લાંબો સમય ટકતો નથી, તેમ કહીને તેમણે સરકારનો બચાવ કરવાની કોશિશ કરી હતી.  તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મંદિરમાં અપાતો ચિક્કીનો પ્રસાદ એ માવાની ચિક્કી છે તે ઉપવાસ દરમિયાન પણ લઇ શકાય તેવો પ્રસાદ છે. દેશ-વિદેશમાં મોકલીએ તો પણ તે બગડે નહીં, જ્યારે મોહનથાળ બગડી જાય છે. જેથી મંદિર દ્વારા ચિક્કીનો પ્રસાદ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને હવેથી અંબાજીમાં ચિક્કીનો પ્રસાદ જ મળશે.  

હેડલાઇન્સ