• બુધવાર, 22 માર્ચ, 2023
હાઉસિંગ પ્રૉપર્ટીનું વેચાણ 11 ટકા વધ્યું
|

ત્રણ મહિનામાં 1490 લાખ ચોરસફૂટ રેસિડેન્શિયલ પ્રૉપર્ટીનું વેચાણ

મુંબઈ, તા. 11 : રેટિંગ એજન્સી ઈકરાના રિપોર્ટ મુજબ ડિસેમ્બર 2022માં પૂરા થયેલા ત્રિમાસિક સમયગાળામાં દેશનાં અગ્રણી સાત શહેરોમાં રેસિડેન્શિયલ પ્રૉપર્ટીનું વેચાણ 11 ટકા વધીને 1490 લાખ ચોરસફૂટ જેટલું થયું છે. છેલ્લાં 10 વર્ષમાં આ સૌથી વધુ ક્વાર્ટલી વેચાણ છે.

ઈકરાના રિપોર્ટ મુજબ એપ્રિલથી ડિસેમ્બર 2022 દરમિયાન નવ મહિનાના સમયગાળામાં હાઉસિંગ પ્રૉપર્ટીનું વેચાણ 34 ટકા વધીને 4120 લાખ ચોરસફૂટ જેટલું થયું છે. જે ગયા વર્ષે આ સમયગાળામાં 3070 લાખ ચોરસફૂટ જેટલું થયું હતું.

લકઝરી, મિડ સેગમેન્ટનો હિસ્સો વધ્યો

કોરોના બાદ રેસિડેન્શિયલ પ્રૉપર્ટીના કુલ વેચાણમાં લકઝરી અને મિડ સેગમેન્ટનો હિસ્સો વધ્યો છે. અગ્રણી સાત શહેરોમાં મુંબઈ, બેંગલુરુ, ચેન્નઈ, હૈદરાબાદ, કોલકાતા, એનસીઆર અને પુણેનો સમાવેશ થાય છે.

નાણાકીય વર્ષ 2020માં રેસિડેન્શિયલ પ્રૉપર્ટીના કુલ વેચાણમાં લકઝરી સેગમેન્ટનો હિસ્સો 14 ટકા હતો એ નાણાકીય વર્ષ 2023માં વધીને 16 ટકા અને મિડ સેગમેન્ટનો હિસ્સો 36 ટકાથી વધીને 42 ટકા થયો છે.

ઈકરાના રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2023માં રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ સેગમેન્ટનો વૃદ્ધિદર 8થી 12 ટકા અને નાણાકીય વર્ષ 2024માં 14થી 16 ટકા રહેવાનો અંદાજ છે.

વેચાયા વગરની રેસિડેન્શિયલ પ્રૉપર્ટીમાં પણ ઘટાડો થયો છે. ડિસેમ્બર 2021ના અંતે વેચાણ થયા વગરની પ્રૉપર્ટી 9230 લાખ ચોરસફૂટ હતી એ ડિસેમ્બર 2022ના અંતે ઘટીને 8390 લાખ ચોરસફૂટ થઈ હતી. રેસિડેન્શિયલ પ્રૉપર્ટીના સરેરાશ વેચાણ ભાવમાં 10 ટકાની વૃદ્ધિ થઈ છે.

હેડલાઇન્સ